બહુજન સમાજ પાર્ટી અધ્યક્ષ માયાવતીએ મોટો નિર્ણય લેતાં ભત્રીજા આકાશ આનંદને તમામ પદ પરથી મુક્ત કર્યો છે. બીજી તરફ માયાવતીના ભાઈ આનંદ કુમારને મોટી જવાબદારી સોંપીને નેશનલ કોઓર્ડિનેટર બનાવવામાં આવ્યા છે.
રવિવારે (2 માર્ચ) પાર્ટીની બેઠક મળી હતી, જેમાં આ નિર્ણયો લેવામાં આવ્યા. પાર્ટી પદાધિકારીઓ સાથેની બેઠકમાં આકાશ આનંદને તમામ પદ પરથી હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. જોકે તેઓ બેઠકમાં હાજર ન હતા.
આ પહેલાં ગત વર્ષે મેમાં માયાવતીએ આકાશ આનંદને પાર્ટીના નેશનલ કોઓર્ડિનેટર અને ઉત્તરાધિકારી પદ પરથી હટાવી દીધા હતા. માયાવતીએ ડિસેમ્બર, 2023માં આકાશને ઉત્તરાધિકારી ઘોષિત કર્યા હતા, પરંતુ પાંચ જ મહિનામાં યુ-ટર્ન લઈ લીધો અને કહ્યું કે પૂર્ણ પરિપક્વતા ન આવે ત્યાં સુધી આકાશ આનંદને આ જવાબદારી સોંપવામાં આવશે નહીં.
આકાશ આનંદના ભાઈ આનંદ કુમારને હવે પાર્ટી કોઓર્ડિનેટરની જવાબદારી સોંપવામાં આવી છે. તેમની સાથે રાજ્યસભા સાંસદ રામજી ગૌતમ પણ કોઓર્ડિનેટર રહેશે.
બહુજન સમાજ પાર્ટીની સ્થાપના 1984માં કાંશી રામે કરી હતી. 2001માં માયાવતી પાર્ટીનાં સુપ્રીમો બન્યાં. ત્યારબાદ તેઓ 2002થી 2003 અને 2007થી 2012 ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી પણ રહ્યાં હતાં.