મધ્ય પ્રદેશના ખજુરાહો સ્થિત બાગેશ્વર ધામમાં 251 કન્યાઓના સમૂહલગ્ન યોજવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં દેશના રાષ્ટ્રપતિ દ્રૌપતિ મૂર્મુ પણ ઉપસ્થિત રહ્યા હતા. તે સિવાય મધ્ય પ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલ અને મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ પણ ઉપસ્થિત રહ્યા હતા. બાગેશ્વર ધામના પીઠાધીશ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ રાષ્ટ્રપતિને હનુમાન યંત્ર પણ ભેટ કર્યું હતું.
પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ આ દરમિયાન કહ્યું હતું કે, “ભારતના મંદિરોની પેટીઓને ગરીબોની બેટીઓ માટે ખોલી દેવામાં આવવી જોઈએ.” ત્યારબાદ તેમણે નવવિવાહિત કન્યાઓને સંબોધિત કરીને કહ્યું હતું કે, “દીકરીઓ, ઘરે જાઓ તો કહેજો કે, બાલાજી અમારા પિતા છે. અમારા લગ્નમાં રાષ્ટ્રપતિ મહોદયા પણ આવ્યા હતા.”
દરમિયાન રાષ્ટ્રપતિએ કહ્યું કે, “ભારતીય પરંપરામાં સંતોએ સદીઓ સુધી પોતાના કર્મ અને વાણીથી જનમાનસને રાહ દેખાડ્યો છે. સામાજિક કુરિવાજો વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે. તે પછી ગુરુ નાનક હોય, રવિદાસ હોય કે સંત કબીર દાસ હોય, મીરાબાઈ હોય કે સંત તુકારામ.. તમામ સંતોએ સમાજને યોગ્ય રસ્તો બતાવ્યો છે.
મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે કહ્યું કે, “આજે બાગેશ્વર ધામ નવો કીર્તિમાન સ્થાપિત કરી રહ્યું છે. તમે જાતિગત સંઘર્ષને તોડવાનું કામ કર્યું છે. તે અમારા માટે સૌભાગ્યની વાત છે. 251 ઘોડાઓ ક્યાં-ક્યાંથી લાવ્યા મહારાજ, ગજબ કરી દીધું તમે. આજે તમે અશ્વમેઘ અને દિગ્વિજય ઘોડા જેવા ઘોડાઓ શોધ્યા છે, જેમણે સમાજની અસમાનતાને તોડી પાડી છે.