તાજેતરમાં ફ્લાઈટ્સને (Flights) ધમકી (Threats)મળવાના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શનિવારે (19 ઑક્ટોબર) એક જ દિવસમાં 20 કરતાં વધુ ફ્લાઇટ્સને બૉમ્બની ધમકી મળી હતી.
આ એરલાઇન્સમાં એર ઇન્ડિયા, ઈન્ડિગો, અકાસા એર, વિસ્તારા, સ્પાઈસ જેટ, સ્ટાર એર અને એલાયન્સ એરનો સમાવેશ થાય છે. જોકે, સદભાગ્યે ક્યાંય કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી.
શનિવારે રાત્રે 12:45 વાગ્યે દુબઈથી જયપુર જતી એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટને ધમકી મળી હતી. ઉપરાંત, દિલ્હીથી મુંબઈ અને ત્યાંથી ઇસ્તંબૂલ જતી ઈન્ડિગો ફ્લાઇટને પણ બૉમ્બની ધમકી મળી. ઉદયપુર-મુંબઈ વિસ્તારા ફ્લાઇને પણ આ જ પ્રકારની ધમકી મળી હતી.
છેલ્લા એક અઠવાડિયામાં લગભગ 40થી વધુ ફ્લાઇટને ધમકી મળી ચૂકી હોવાનું અહેવાલો જણાવી રહ્યા છે. જોકે, આ તમામ ફ્લાઇટ્સને સુરક્ષિત લેન્ડ કરાવી દેવામાં આવી હતી અને ક્યાંય કોઈ બનાવ બન્યો નથી, એ એક સારી વાત છે. પરંતુ આવી ધમકીઓના કારણે આખું તંત્ર ઉપરતળે થઈ જાય છે એ પણ એક હકીકત છે.
નાગરિક ઉડ્ડયન મંત્રાલયનું કહેવું છે કે તેઓ આ બાબતને ગંભીરતાથી લઈ રહ્યા છે અને મામલાની તપાસ હાલ ચાલી રહી છે.