Wednesday, January 22, 2025
More

    મણિપુરમાં JDU અધ્યક્ષે પાર્ટીને પૂછ્યા વગર જ પરત લઈ લીધું રાજ્ય સરકારને આપેલું સમર્થન; કેન્દ્રીય નેતૃત્વએ દેખાડ્યો બહારનો રસ્તો, કહ્યું- અમે NDA સાથે 

    નીતીશ કુમારની પાર્ટી જનતા દળ યુનાઇટેડે (JDU) મણિપુરના પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ વીરેન્દ્ર સિંઘને પદ પરથી હટાવી દીધા છે. વાસ્તવમાં વીરેન્દ્ર સિંઘે મણિપુરના રાજ્યપાલને પત્ર લખીને મુખ્યમંત્રી બિરેન સિંઘના નેતૃત્વવાળી ભાજપ સરકારને આપેલું સમર્થન પરત ખેંચવાની ઘોષણા કરી હતી. ત્યારે JDUએ આને અનુશાસનહીનતા ગણીને વીરેન્દ્રને પાર્ટી બહારનો રસ્તો દેખાડ્યો છે. દરમિયાન JDUએ પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કરતાં કહ્યું છે કે તેઓ સંપૂર્ણ રીતે NDA સાથે જ છે.

    આ મામલે દિલ્હી JDUના પ્રવક્તા રાજીવ રંજન પ્રસાદે કહ્યું હતું કે, “આ બધું ભ્રામક અને નિરાધાર છે, પાર્ટીએ તેનું સંજ્ઞાન લઈને મણિપુરના અધ્યક્ષને તેમના પદ પરથી હટાવી દીધા છે. અમે NDAનું સમર્થન કર્યુ છે અને મણિપુરમાં NDA સરકારને અમારું પૂરેપૂરું સમર્થન છે અને આ સમર્થન ભવિષ્યમાં પણ યથાવત રહેશે. મણિપુરના અધ્યક્ષે કેન્દ્રીય નેતૃત્વ સાથે કોઈ પણ ચર્ચા કે જાણ કર્યા વગર અને વિશ્વાસમાં લીધા વગર જ આ કૃત્ય કર્યું હતું. આ પત્ર પાર્ટીએ નહીં, તેમણે પોતે લખ્યો હતો.”

    તેમણે આગળ કહ્યું કે, “પાર્ટી આને અનુશાસનહીનતા માનીને તેમના વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે અને તેમને પાર્ટીના પદ પરથી મુક્ત કરી દેવામાં આવ્યા છે. અમે સંપૂર્ણપણે NDA સાથે જ છીએ અને રાજ્યમાં પાર્ટી મણિપુરના લોકોની સેવા કરતી રેહેશે અને વિકાસમાં યોગદાન આપતી રહેશે.” ઉલ્લેખનીય છે કે વીરેન્દ્ર સિંઘે રાજ્યપાલ અજય કુમાર ભલ્લાને પત્ર લખીને ભાજપને આપેલું સમર્થન પાછું ખેંચવાનું એલાન કર્યું હતું.

    તેમણે લખ્યું હતું કે, પાર્ટીએ શરૂઆતમાં 2020માં મણિપુર વિધાનસભામાં 6 બેઠકો જીતી હતી, બાદમ તેમના 5 ધારાસભ્યો ભાજપમાં ચાલ્યા ગયા અને સત્તાપક્ષનું નેતૃત્વ વધુ મજબૂત થઈ ગયું. આ પાંચ ધારાસભ્યો ભારતના બંધારણની દસમી અનુસૂચિ અંતર્ગત સ્પીકર ટ્રીબ્યુનલ સમક્ષ નિલંબિત છે. પત્રમાં પહેલાં INDI બ્લોક સાથે JDUના ગઠબંધનનો હવાલો આપીને સમર્થન પરત લેવાની પુષ્ટિ પણ કરી દેવામાં આવી હતી. પત્રમાં તેમ પણ લખવામાં આવ્યુ હતું કે હાલ મણિપુરમાં JDUના એક માત્ર ધારાસભ્ય મહોમ્મદ અબ્દુલ નાસિર વિધાનસભા સત્રમાં વિપક્ષ સાથે બેઠેલા હોય છે.