Tuesday, January 14, 2025
More

    ‘મણિપુરની આ પરિસ્થિતિ પાછળ કોંગ્રેસનાં જ જૂનાં પાપ કારણભૂત, રાજકારણ બંધ કરો’: જયરામ રમેશને CM બિરેન સિંઘનો જવાબ

    કાયમ મણિપુર-મણિપુર કરતા રહેતા કોંગ્રેસ નેતાઓને રાજ્યના મુખ્યમંત્રી એન બિરેન સિંઘે (Biren Singh) જવાબ આપ્યો છે. તેમણે કોંગી નેતા જયરામ રમેશના (Jairam Ramesh) પ્રોપગેન્ડાની પોલ ખોલતાં કહ્યું કે, મણિપુરની આ પરિસ્થિતિ કોંગ્રેસનાં જ જૂનાં પાપનું પરિણામ છે. 

    વાસ્તવમાં બિરેન સિંઘે 31 ડિસેમ્બરે એક પ્રેસ કૉન્ફરન્સ યોજીને રાજ્યમાં ચાલતા તણાવના કારણે જેમણે ઘરબાર અને સ્વજનો ગુમાવ્યાં તેમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરીને માફી માંગી હતી. તેની ઉપર કોંગ્રેસ નેતા જયરામ રમેશે રાજકારણ કરવાનું શરૂ કરી દીધું. ત્યારબાદ બિરેન સિંઘે જવાબ આપ્યો હતો. 

    તેમણે કહ્યું કે, મણિપુરમાં નાગા-કૂકી સંઘર્ષની શરૂઆત ઘણાં વર્ષો પહેલાં થઈ હતી અને 1992-93માં તે ચરમસીમાએ હતો. તત્કાલીન વડાપ્રધાન નરસિમ્હારાવે શું અહીં આવીને મણિપુરના લોકોની માફી માંગી હતી? ત્યારબાદ 1997-98નાં તોફાનોને યાદ કરીને કહ્યું કે, ત્યારના વડાપ્રધાન શું મણિપુર ગયા હતા? તેમણે પ્રશ્ન કર્યો કે, મણિપુરના મુખ્ય મુદ્દાઓ પર ધ્યાન આપવાના બદલે કોંગ્રેસ રાજકારણ કેમ કરી રહી છે? 

    તેમણે એમ પણ કહ્યું કે, મણિપુરની આ સ્થિતિ કૉંગ્રેસનાં જ જૂનાં પાપના કારણે છે. ત્યારબાદ તેમણે ચિદમ્બરમ ગૃહમંત્રી હતા ત્યારે મ્યાનમારનાં ઉગ્રવાદી જૂથો સાથે સરકારે કરેલા કરાર યાદ કરાવ્યા હતા.