Monday, March 24, 2025
More

    જેણે તેલંગાણાના પૂર્વ CM KCR પર મૂક્યો ભ્રષ્ટાચારનો આરોપ, સુનાવણીના આગલા દિવસે જ તેની થઈ ગઈ હત્યા: પોલીસ તપાસ શરૂ

    તેલંગાણામાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. તેલંગાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ (KCR) અને અન્ય લોકો સામે ભ્રષ્ટાચારનો (Corruption) આરોપ લગાવનાર એક વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. KCR પર કાલેશ્વરમ પ્રોજેક્ટ હેઠળ મેડિગડ્ડા બેરેજના બાંધકામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

    ત્યારે KCR અને અન્ય લોકો સામે કોર્ટમાં અરજી કરનાર વ્યક્તિની જયશંકર ભૂપાલપલ્લી શહેરમાં હત્યા કરવામાં આવી હોવાનો ઘસ્ફોટ થયો હતો. જોકે, પોલીસે આ ઘટનામાં કોઈ રાજકીય પક્ષ હોવાનો ઇનકાર કર્યો છે. પોલીસે જણાવ્યું હતું કે જમીન વિવાદમાં બે અજાણ્યા વ્યક્તિઓએ રાજલિંગમૂર્તિની ચાકુના ઘા મારીને હત્યા કરી દીધી હતી.

    ઉલ્લેખનીય છે કે એન રાજલિંગમૂર્તિની હત્યાના એક દિવસ પછી હાઇકોર્ટમાં KCRની અરજી પર સુનાવણી થવાની હતી જેમાં તેમણે મૂર્તિ દ્વારા દાખલ કરાયેલા કેસને પડકાર્યો હતો. પોલીસ અધિકારીઓએ જણાવ્યા અનુસાર 19 ફેબ્રુઆરીની સાંજે લગભગ 7:30 વાગ્યે, જ્યારે રાજલિંગમૂર્તિ મોટરસાઇકલ પર જઈ રહ્યા હતા ત્યારે 2 વ્યક્તિઓએ તેમની હત્યા કરી દીધી હતી.

    ઉલ્લેખનીય છે ઓક્ટોબર 2023માં, રાજલિંગમૂર્તિએ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી જેમાં તેમણે ભૂતપૂર્વ સીએમ KCR પર કાલેશ્વરમ પ્રોજેક્ટ હેઠળ મેડિગડ્ડા બેરેજના નિર્માણમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો. મેડીગડ્ડા બેરેજના કેટલાક ઘાટ ડૂબી ગયા બાદ રાજલિંગમૂર્તિએ KCR અને અન્ય લોકો સામે FIR નોંધવાની માંગ કરી હતી.

    KCRએ તેમના સંબંધી અને ભૂતપૂર્વ મંત્રી ટી હરીશ રાવે તેલંગાણા હાઈકોર્ટનો સંપર્ક કર્યો અને ડિસેમ્બર 2023માં, કોર્ટે પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ, જયશંકર ભૂપાલપલ્લીએ રાજલિંગમૂર્તિની અરજીને મંજૂરી આપી હતી તે આદેશને નિલંબિત કરી દીધો હતો.