દિલ્હી (Delhi) સ્થિત સંસદ ભવનની બહાર એક વ્યક્તિએ પોતાને આગ લગાવી દીધી હોવાનો મામલો સામે આવ્યો છે. જોકે, સુરક્ષાકર્મીઓ અને પોલીસની સતર્કતાના કારણે તેને બચાવી લેવામાં આવ્યો હતો અને ત્યારબાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.
પોલીસને સ્થળ પરથી પેટ્રોલ પણ મળી આવ્યું છે. કયા કારણોસર તેણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો તે હજુ સુધી જાણવા મળ્યું નથી. હાલ ફોરેન્સિક એક્સપર્ટની ટીમ ઘટનાસ્થળે પહોંચીને મામલાની વધુ તપાસ કરી રહી છે.
પોલીસે વધુ જાણકારી આપતાં કહ્યું કે, શખ્સે રેલ ભવન પાસે પોતાને આગ લગાવી દીધી હતી અને ત્યારબાદ સંસદ ભવન તરફ ભાગતો જોવા મળ્યો હતો. સ્થળ પરથી 2 પાનાંની એક નોટ પણ મળી આવી છે, જે અડધી સળગી ગઈ છે. પોલીસ હાલ તેની પણ તપાસ કરી રહી છે.
દિલ્હી પોલીસના નિવેદનમાં જણાવવામાં આવ્યું કે, “સ્થાનિક પોલીસ, રેલવે પોલીસ અને અમુક નાગરિકોએ મળીને આગ ઓલવી દીધી હતી અને ત્યારબાદ વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. પ્રારંભિક તપાસમાં આ બાગપતમાં કોઈ સાથે વ્યક્તિગત દુશ્મનીનો મામલો હોવાનું પ્રતીત થાય છે. આગળની તપાસ ચાલી રહી છે.”