Monday, April 14, 2025
More

    કોર્ટમાં ચાલુ હતી વર્ચ્યુઅલ સુનાવણી, પહેલા કરી ફોન પર વાત અને પછી ફૂંકવા માંડ્યો સિગારેટ: દિલ્હી કોર્ટે માંગ્યા ખુલાસા

    દિલ્હીની તીસ હજારી કોર્ટે (Delhi Court) વર્ચ્યુઅલ સુનાવણી (Virtual Hearing) દરમિયાન સિગારેટ (Cigarette) પીવા બદલ સુશીલ કુમાર નામક વ્યક્તિને 25 માર્ચે સમન્સ પાઠવ્યું છે. કોર્ટે સુશીલ કુમારને 29 માર્ચ, 2025ના રોજ કોર્ટમાં હાજર રહીને પોતાનો ખુલાસો આપવાનો નિર્દેશ આપ્યો છે.

    વસિયતનામા સંબંધિત કેસની સુનાવણી કરતા જસ્ટિસ શિવ કુમારે 25 માર્ચ, 2025ના રોજના તેમના આદેશમાં સુશીલ કુમારને સુનાવણી આગામી તારીખ એટલે કે 29 માર્ચના રોજ કોર્ટ સમક્ષ રૂબરૂ હાજર રહેવા જણાવ્યું છે.

    કોર્ટે કહ્યું કે જ્યારે અન્ય કેસોની સુનાવણી ચાલી રહી હતી, ત્યારે સુશીલ કુમાર ફોન પર વાત કરી રહ્યો હતો. કોર્ટની કાર્યવાહીમાં અવરોધ ઉભો થવાના પગલે કોર્ટે તેમને આમ કરવાથી રોક્યા પણ તેણે ધ્યાન આપ્યું નહીં. તેને મ્યૂટ મોડ પર મુકવો પડ્યો હતો.

    જ્યારે તેને આ ‘ગેરવર્તણૂક’ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કોર્ટની માફી માંગી અને કહ્યું કે તે આવી ભૂલ ફરી નહીં કરે. એટલું નહીં જ્યારે આદેશ લખી રહી હતી ત્યારે સુશીલ કુમારે કેમેરા સામે સિગારેટ પીવાનું શરૂ કર્યું. જ્યારે તેને આ અંગે પૂછપરછ કરવામાં આવી, ત્યારે સુશીલ કુમાર વેબ મિટીંગમાંથી લેફ્ટ થઈ ગયો.

    આ પહેલાં પણ બન્યા છે આવા મામલા

    13 ફેબ્રુઆરીના રોજ, જસ્ટિસ એમ.કે. ઠક્કરની કોર્ટમાં કાર્યવાહી દરમિયાન, વામદેવ ગાંધી નામનો એક વ્યક્તિ પલંગ પર સુતા સુતા કોર્ટની કાર્યવાહી એવી રીતે જોઈ રહ્યો હતો જાણે તે કોઈ ફિલ્મ જોઈ રહ્યો હોય અને તેનો આનંદ માણી રહ્યો હોય. જ્યારે કોર્ટે વામદેવ ગાંધીના વર્તનની નોંધ લીધી, ત્યારે કોર્ટે તેને 25,000નો દંડ ફટકાર્યો હતો.

    17 જાન્યુઆરી 2025ના રોજ ગુજરાત હાઇકોર્ટમાં વર્ચ્યુઅલ સુનાવણી દરમિયાન ધવલભાઈ કનુભાઈ અંબાલાલ પટેલ નામના વ્યક્તિએ ચાલુ સુનાવણીમાં અભદ્ર વર્તન કર્યું. જેના કારણે કોર્ટે તેને ડિસ્કનેક્ટ કરી દીધો. થોડા સમય પછી પટેલ ફરીથી સુનાવણીમાં જોડાયો. આ દરમિયાન તે ટોયલેટમાં હતો. તેને ફરીથી ડિસ્કનેક્ટ કરીને કોર્ટે ₹2 લાખનો દંડ ફટકાર્યો હતો.