Sunday, June 22, 2025
More

    આંધ્રના પૂર્વ મુખ્યમંત્રી જગન મોહનની કાર નીચે કચડાઈ જતાં 65 વર્ષીય વ્યક્તિનું મોત, ભયાનક વિડીયો સામે આવ્યો

    આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીની કાર નીચે કચડાઈ જતાં એક 65 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું છે. 

    જગન મોહન ગુંટુરમાં એક સ્થળે મુલાકાત માટે ગયા હતા, જ્યાં તેમને મળવા માટે પાર્ટી કાર્યકર્તાઓની ભીડ એકઠી થઈ ગઈ અને પોલીસે જેટલી પરવાનગી આપી હતી તેના કરતાં વધુ લોકો એકઠા થઈ ગયા. દરમ્યાન ભીડમાં પાર્ટીના જ એક વૃદ્ધ કાર્યકર્તા જગનની કાર નજીક જતાં કચડાઈ મર્યા. 

    આ ઘટનાનો એક ભયાનક વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિ કાર નીચે કચડાઈ જતી જોવા મળે છે. જોકે દ્રશ્યો પરથી લાગે છે કે ન તો ડ્રાઇવરને એ ધ્યાન રહે છે કે ન આસપાસના લોકોને. ત્યારબાદ પણ રેલી ચાલુ જ રહે છે. 

    ઘટના બુધવારે (18 જૂન) બની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પહેલાં કહેવામાં આવ્યું હતું કે મોત કાફલાની અન્ય કોઈ કાર નીચે કચડાઈ જવાના કારણે થયું હતું, પણ હવે સામે આવેલી વિગતો અનુસાર કાર બીજા કોઈની નહીં પરંતુ જગન મોહન રેડ્ડીની જ હતી. 

    વાસ્તવમાં જગન મોહન રેડ્ડી વર્ષ પહેલાં આત્મહત્યા કરીને મૃત્યુ પામેલા પાર્ટીના એક કાર્યકર્તાના પરિવારને મળવા ગયા હતા. ત્યાં તેમને મળવા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં આવી પહોંચ્યા. જોકે પોલીસે ત્રણ વાહનો અને 100 વ્યક્તિઓની જ પરવાનગી આપી હતી. પરંતુ ટોળું એટલું થઈ ગયું કે નિયંત્રણની બહાર જતું રહ્યું. 

    દરમ્યાન ભીડમાં જગનની કારની નજીક જવા જતાં ધક્કામુક્કી થયા બાદ 65 વર્ષીય વ્યક્તિ કાર નીચે આવી ગયા હતા. ત્યારબાદ ડ્રાઈવરે પણ ગાડી ન થોભાવી અને ઉપરથી પસાર થઈ ગઈ હતી. રેલી ત્યારબાદ પણ ચાલુ રહી. 

    આખરે સ્થાનિક ASIને ધ્યાન જતાં તેઓ ઘાયલ વ્યક્તિને હૉસ્પિટલ લઈ ગયા, પરંતુ ત્યાં મૃત ઘોષિત કરવામાં આવ્યા. 

    ઘટના બાદ YSRCPના નેતાઓએ મૃત કાર્યકર્તાના પરિવારને મળીને ₹10 લાખ આપ્યા હતા. બીજી તરફ સત્તાધારી TDPએ ઘટનાની ટીકા કરીને જગન મોહન અને તેમની પાર્ટી પર પ્રહાર કર્યા.