કિન્નર અખાડામાં ચાલી રહેલા વિવાદ વચ્ચે મમતા કુલકર્ણીએ મહામંડલેશ્વર પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર વિડીયો પોસ્ટ કરીને આ વિશેની માહિતી આપી છે. તેણે કહ્યું છે કે, “આજે કિન્નર અખાડામાં મારા વિશે વિવાદ ચાલી રહ્યો છે. એના કારણે હું રાજીનામું આપી રહી છું. હું 25 વર્ષથી સાધ્વી છું અને ભવિષ્યમાં પણ સાધ્વી રહીશ.”
24 જાન્યુઆરીના રોજ પ્રયાગરાજ મહાકુંભમાં મમતા કુલકર્ણીને મહામંડલેશ્વરનું બિરુદ આપવામાં આવ્યું હતું. કિન્નર અખાડાના આચાર્ય મહામંડલેશ્વર ડૉક્ટર લક્ષ્મીનારાયણ ત્રિપાઠીએ તેના માટે પિંડદાન અને પટ્ટાભિષેક કર્યો હતો. જોકે, આ પહેલાં પણ મમતા કુલકર્ણીને પદ આપવા પર ખૂબ વિવાદ ચાલ્યો હતો.
અજય દાસ નામના વ્યક્તિએ, જેઓ પોતાને અખાડાના વડા કહે છે. તેમણે તાજેતરમાં જ એક પત્ર જારી કરીને મમતા કુલકર્ણી અને લક્ષ્મીનારાયણ ત્રિપાઠીને પદ પરથી હટાવવાની વાત કરી હતી. કિન્નર અખાડાના સ્થાપકે મમતા કુલકર્ણી વિશે વાત કરતાં કહ્યું કે તેમના પર રાજદ્રોહનો આરોપ છે અને તેઓ ફિલ્મ ગ્લેમર સાથે સંકળાયેલા છે, અને તેમને કોઈપણ ધાર્મિક કે અખાડા પરંપરાનું પાલન કર્યા વિના અખાડામાં સામેલ કરવામાં આવ્યા હતા.