Monday, March 17, 2025
More

    GST ચોરી કેસમાં પકડાયેલ ‘પત્રકાર’ની તરફેણમાં ઉતર્યું Editors Guild, તો ‘ધ હિન્દુ’ના ડાયરેક્ટરે લગાવી ફટકાર

    ધ હિન્દુ ગ્રુપના ડાયરેક્ટર અને વરિષ્ઠ પત્રકાર માલિની પાર્થસારથીએ (Malini Parthasarathy) તાજેતરમાં જ પોતાના સમાચારપત્ર ‘ધ હિન્દુ’ના (The hindu) પત્રકાર મહેશ લાંગાની (Mahesh Langa) ધરપકડ બાદ એડિટર્સ ગિલ્ડની પ્રતિક્રિયાની ટીકા કરી છે. એડિટર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયાએ (Editors Guild of India) મહેશ લાંગાની ધરપકડને પત્રકારત્વ પર હુમલો ગણાવ્યો હતો.

    આનો વિરોધ કરતાં માલિની પાર્થસારથીએ કહ્યું હતું કે માત્ર પત્રકારની ધરપકડ પર પ્રેસની સ્વતંત્રતા અંગે હોબાળો કરવો ખોટું છે. તેમના મતે આ પત્રકારત્વના મૂળ ઉદ્દેશ્ય એટલે કે સત્યની શોધ સાથે અન્યાય છે. માલિની પાર્થસારથીએ કહ્યું કે કોઈપણ પત્રકાર કાયદાથી ઉપર નથી. તેમણે સ્પષ્ટતા કરી હતી કે મહેશ લાંગા સામે નોંધાયેલી બે એફઆઈઆર તેમના રિપોર્ટિંગ પર આધારિત નથી, પરંતુ અન્ય ગંભીર આરોપો માટે છે, જેની તપાસ થવી જોઈએ.

    માલિની પાર્થસારથીએ એવો પણ સવાલ ઉઠાવ્યો હતો કે આ કેસોમાં મહેશા લાંગાની ધરપકડથી પત્રકારત્વની સ્વતંત્રતા કેવી રીતે ખરડાઈ? તેમનું કહેવું છે કે પ્રેસની સ્વતંત્રતાનો દુરુપયોગ કોઈને કાયદાનું પાલન ન કરવાથી બચાવવા માટે થવો જોઈએ નહીં.

    માલિનીએ પત્રકારોને તેમના રિપોર્ટિંગના ધોરણો પ્રત્યે પ્રમાણિક રહેવા અને તેમના સમાચાર સ્ત્રોતોથી અંતર જાળવવા વિનંતી કરી. OpIndiaએ તેના રિપોર્ટમાં જણાવ્યું હતું કે તે કેવી રીતે લક્ઝરી લાઈફ જીવી રહ્યો છે.