ભારતની આધિકારિક યાત્રા પર આવેલા માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ સાથે વડાપ્રધાન મોદીએ સોમવારે (7 ઑક્ટોબર) દ્વિપક્ષીય બેઠક યોજી હતી. આર્થિક સંકટોનો સામનો કરી રહેલા માલદીવે ભારત પાસે આર્થિક સહાયની માંગણી કરી હતી. દ્વિપક્ષીય વાટાઘાટોમાં પણ આ અંગેની વાતચીત કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું.
જ્યારે હવે સમાચાર સામે આવી રહ્યા છે કે, વડાપ્રધાન મોદીએ માલદીવને ₹3300 કરોડની આર્થિક મદદ કરવા માટેની જાહેરાત કરી છે. જે બાદ માલદીવના રાષ્ટ્રપતિએ વડાપ્રધાન મોદી અને ભારતનો આભાર પણ માન્યો છે. તેમણે કહ્યું હતું કે, “હું ભારત સરકારના નિર્ણય માટે તેમનો આભારી છું.”
જોકે, ભારત યાત્રા પર આવીને તરત જ ભારતવિરોધી ગણાતા મોહમ્મદ મુઈઝુના સૂર બદલાઈ ગયા હતા અને ચીનનું નામ લીધા વિના જ તેમણે નિવેદન આપ્યું હતું કે, ભારતને જેનાથી જોખમ થશે તે કામ માલદીવ ક્યારેય પણ નહીં કરે. તે ઉપરાંત તેમણે માલદીવના અર્થતંત્રને બચાવવા માટે ભારતીય પ્રવાસીઓને ફરીથી તેમના દેશમાં ફરવા આવવા માટેની વિનંતી પણ કરી હતી.