Sunday, November 10, 2024
More

    ભારત યાત્રા પર માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ, દિલ્હી પહોંચ્યા: રાષ્ટ્રપતિ-PM મોદી સાથે કરશે મુલાકાત

    માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ ભારત મુલાકાતે આવ્યા છે. રવિવારે (6 ઑક્ટોબર) તેઓ પત્ની સાથે દિલ્હી પહોંચ્યા. આ તેમની પહેલી ભારત મુલાકાત છે. 

    માલદીવના રાષ્ટ્રપતિ, તેમનાં પત્ની અને ત્યાંની સરકારના પ્રતિનિધિમંડળ માટે ભારત સરકારે ખાસ ફ્લાઇટની વ્યવસ્થા પણ કરી હતી. 

    મોહમ્મદ મુઈઝુને સોમવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે ગાર્ડ ઑફ ઑનર આપવામાં આવશે અને ઔપચારિક સ્વાગત કરવામાં આવશે. અહીં તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે મુલાકાત પણ કરશે. 

    આ યાત્રા દરમિયાન માલદીવિયન રાષ્ટ્રપતિ પીએમ નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરશે. આ બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકર તેમજ ભારત સરકારના અન્ય મંત્રીઓ પણ હાજર રહેશે. બેઠકમાં બંને દેશને લગતા દ્વિપક્ષીય, પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ વિશે ચર્ચા કરવામાં આવશે. 

    બેઠકમાં બંને દેશો વચ્ચે અમુક બાબતોને લઈને કરાર કરવામાં આવે તેવી પણ સંભાવના છે. ઉપરાંત, મુઈઝુ વિદેશ મંત્રી સાથે અલગ બેઠક પણ કરે તેવી પણ સંભાવના છે. 

    ઉલ્લેખનીય છે કે મોહમ્મદ મુઈઝુ ચીનતરફી ઝુકાવ માટે જાણીતા છે, જેના કારણે થોડા સમય માટે ભારત-માલદીવ્સના સંબંધોમાં ખટાશ પણ આવી હતી. વધુમાં, લક્ષદ્વીપ-માલદીવ વિવાદમાં માલદીવ્સના મંત્રીઓએ PM મોદી વિશે અપમાનજનક ટિપ્પણી કરતાં મામલો વધુ બિચક્યો હતો. જોકે, પછીથી તેમને હટાવી દેવામાં આવ્યા હતા. 

    પછીથી જોકે મોહમ્મદ મુઈઝુનું ભારત પ્રત્યેનું વલણ પણ ઘણુખરું બદલાયું અને જાહેરમાં તેઓ બંને દેશોના સંબંધો કેટલા મહત્વપૂર્ણ છે તેની વાત કરતા જોવા મળ્યા હતા. હવે તેઓ ભારત યાત્રાએ પહોંચ્યા છે.