પુણેના કથિત રેપ કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. જે મહિલાએ કુરિયર ડિલિવરી બોયે તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ કરી હતી તેણે હવે પોલીસ સમક્ષ કબૂલાત કરી છે કે યુવક તેનો પરિચિત છે અને પોતે ‘ગુસ્સામાં’ ફરિયાદ કરી દીધી હતી.
પોલીસે જણાવ્યું કે, આરોપી વાસ્તવમાં પીડિત મહિલાનો પરિચિત જ છે અને બંને અને બંનેના પરિવારો એકબીજાને પહેલેથી જાણે છે. યુવક ભૂતકાળમાં પણ ઘણી વખત મહિલાના ઘરે જઈ ચૂક્યો હતો અને જ્યારે કથિત બનાવ બન્યો હોવાનો દાવો કરવામાં આવ્યો ત્યારે પણ તેને મળવા માટે જ ગયો હતો.
અહેવાલો અનુસાર, મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે યુવક તેને શારીરિક સંબંધો બાંધવા માટે દબાણ કરી રહ્યો હતો અને તે તૈયાર ન હતી, જેના કારણે ગુસ્સામાં આવીને ખોટી રેપની ફરિયાદ દાખલ કરી દીધી હતી.
આ તમામ જાણકારી પોલીસે આપી છે. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં પુણેની એક IT પ્રોફેશનલ મહિલાએ પોલીસ સમક્ષ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેના ફ્લેટ પર કુરિયર ડિલિવર કરવા માટે પહોંચેલા એક શખ્સે તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. એવો પણ દાવો કર્યો હતો કે આરોપીએ એક સેલ્ફી લીધી હતી જેમાં યુવકનો ચહેરો અને યુવતીના શરીરનો પાછળનો ભાગ દેખાય છે. આરોપી ફરી આવશે તેવો મેસેજ છોડીને ગયો હતો અને ફોટા ઓનલાઇન વાયરલ કરવાની ધમકી આપી હતી તેવું ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું.
જોકે પોલીસની તપાસમાં સામે આવ્યું કે સેલ્ફી વાસ્તવમાં આરોપીએ નહીં પણ પીડિત મહિલાએ જ લીધી હતી અને જે મેસેજની વાત છે એ પણ તેણે જ ટાઇપ કર્યો હતો. પોલીસે એ પણ સ્પષ્ટ કર્યું કે મહિલાના ચહેરા પર કોઈ સ્પ્રે છાંટવામાં આવ્યો ન હતો.