બુધવારે (12 માર્ચ) સુરતથી લઈને વાપી સુધી દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. હાઈવોલ્ટેજ સોર્સલાઇનમાં ખામી સર્જાવાના કારને આમ થયું હોવાનું DGVCL દ્વારા જણાવવામાં આવ્યું છે. હાલ કામગીરી ચાલી રહી છે અને જલ્દીથી વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવશે તેમ પણ જણાવાયું છે.
DGVCL દ્વારા જણાવવામાં આવ્યા અનુસાર, ઉકાઇ થર્મલ પાવર સ્ટેશનની 4 યુનિટ ટ્રીપ થઈ ગઈ હોવાના કારણે 500 મેગાવૉટ વીજ ઉત્પાદનમાં ઘટાડો થયો હતો. જેના કારણે વિવિધ સબ સ્ટેશનો ઉપર વીજ પુરવઠો પહોંચી શક્યો નથી. ટ્રિપિંગ એને કહેવાય જ્યારે ઓવરલોડના કારણે કે શોર્ટ સર્કિટના કારણે સર્કિટ બ્રેકર ઇલેટ્રિકલ સિસ્ટમને નુકસાન થતું અટકાવવા માટે બંધ થઈ જાય છે.
ટ્રિપિંગના કારણે વીજ લોડમાં અચાનક વધારો થયો હતો, જેના કારણે સિસ્ટમ બ્લેકઆઉટ ન થઈ જાય એના માટે તકેદારીના ભાગરૂપે અમુક સબ સ્ટેશનોમાં પુરવઠો આપવામાં આવી રહ્યો નથી. હાલ વીજ વિભાગ કામ કરી રહ્યો છે અને જલ્દીથી ધીમે-ધીમે બધે જ વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરી દેવામાં આવશે.
વીજ પુરવઠો ખોરવાય જવાના કારણે સુરત, નવસારી, વલસાડ વગેરે જિલ્લાઓનાં અનેક ગામોને અસર પહોંચી છે.