Monday, April 14, 2025
More

    ગુજરાત ATSની મોટી કાર્યવાહી, ICG સાથે મળીને પોરબંદરના દરિયામાંથી પકડ્યું ₹1800 કરોડનું ડ્રગ્સ: શંકાસ્પદ બોટને ઘેરીને પાર પાડ્યું ઑપરેશન

    ગુજરાતના દરિયામાંથી વધુ એક વખત મોટી માત્રામાં ડ્રગ્સ ઝડપાયું હોવાનું સામે આવ્યું છે. જાણવા મળી રહ્યું છે કે, ગુજરાત ATS અને ભારતીય કોસ્ટ ગાર્ડે (ICG) સંયુક્ત ઑપરેશન પાર પાડીને કુલ ₹1800 કરોડનું 300 કિલોગ્રામ ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. ઑપરેશન હેઠળ આખેઆખી બોટ જ જપ્ત કરી લેવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય બજારની કિંમતોના આધારે આ એક મોટી ડ્રગ્સ જપ્તી કાર્યવાહી ગણવામાં આવી રહી છે.

    પોરબંદરથી 190 કિલોમીટર દૂર દરિયામાં આ ઑપરેશન હાથ ધરાયું હતું. કોસ્ટ ગાર્ડની શિપને જોઈને પાકિસ્તાની બોટના ચાલકો MD ડ્રગ્સને દરિયાના પાણીમાં ફેંકીને ભાગી ગયા હતા. જે બાદ કોસ્ટ ગાર્ડે પાણીમાંથી ડ્રગ્સનો જથ્થો બહાર કાઢ્યો હતો. આ ઑપરેશન 12-13 એપ્રિલના રોજ હાથ ધરાયું હતું અને ગુજરાત ATS પણ તેમાં સહભાગી હતી.

    મોડી રાત સુધી કોસ્ટ ગાર્ડ અને ATSનું આ ઑપરેશન ચાલ્યું હતું. કોસ્ટ ગાર્ડની સ્પીડ બોટ અને જહાજોએ શંકાસ્પદ બોટને ઘેરી લીધી હતી અને ત્યારબાદ તેને પકડી લીધી હતી. ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચેના દરિયાઈ વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા રેખા (IMBL) નજીક 13 એપ્રિલની રાત્રે બોટને અટકાવવામાં આવી હતી.

    નોંધનીય છે કે, આ પહેલાં ફેબ્રુઆરી, 2024માં પોરબંદરના દરિયામાંથી દેશનો હમણાં સુધીનો સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. ગુજરાત ATS, ઇન્ડિયન નેવી અને NCBએ સંયુકત ઓપરેશન હાથ ધરીને પોરબંદરના સમુદ્રમાંથી આંતરરાષ્ટ્રીય સરહદ નજીક અત્યાર સુધીનો સૌથી મોટો 3300 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો.