તૃણમૂલ કોંગ્રેસ સાંસદ મહુઆ મોઈત્રાએ લગ્ન કરી લીધાં છે. બીજુ જનતા દળના પૂર્વ સાંસદ અને જાણીતા વકીલ પિનાકી મિશ્રા સાથે જર્મનીમાં એક પ્રાઇવેટ સેરેમનીમાં બંનેએ લગ્ન કરી લીધાં હોવાનું જાણવા મળ્યું છે.
બંનેની તસવીર સોશિયલ મીડિયા અને મીડિયામાં ફરી રહી છે. જોકે હજુ સુધી બંને પક્ષેથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
Mahua Moitra marries former BJD MP Pinaki Misra.
— Ankur Singh (@iAnkurSingh) June 5, 2025
Enjoying vacation in Germany. pic.twitter.com/ze8mv6bEFP
મહુઆ મોઈત્રા તૃણમૂલ કોંગ્રેસનાં સાંસદ છે. 1974માં આસામમાં જન્મેલાં મોઇત્રાએ ઇન્વેસ્ટમેન્ટ બેન્કર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. 2007માં તેઓ યુથ કોંગ્રેસમાં સામેલ થયાં અને રાજકારણની શરૂઆત કરી. 2010માં મમતા બેનર્જીની પાર્ટીમાં સામેલ થયાં હતાં. 2019માં તેઓ કૃષ્ણનગર બેઠક પરથી વિજેતા બનીને સંસદ પહોંચ્યાં.
મહુઆ મોઈત્રાનો સાંસદ તરીકેનો કાર્યકાળ વિવાદિત પણ રહ્યો છે. તેમની ઉપર ઉદ્યોગપતિઓ પાસેથી મોંઘી ભેટો લઈને તેમનાં હિત જળવાય તેવા પ્રશ્નો સંસદમાં પૂછવાનો આરોપ લાગ્યો હતો, જે મામલે પછીથી સંસદમાંથી નિષ્કાસન પણ થયું હતું. જોકે 2024ની ચૂંટણીમાં તેઓ ફરી એ જ બેઠક પરથી વિજેતા બન્યાં.
1959માં જન્મેલા પિનાકી મિશ્રા ઓડિશાના છે. 1996માં તેઓ કોંગ્રેસની ટિકિટ પરથી લોકસભા ચૂંટણી જીત્યા હતા. પછીથી નવીન પટનાયકની બીજુ જનતા દળ પાર્ટીમાં સામેલ થયા. ત્યારબાદ 2009થી 2019 સુધી સતત જીતતા રહ્યા હતા. તેઓ સુપ્રીમ કોર્ટના વકીલ પણ છે. દેશની અનેક હાઇકોર્ટમાં પણ કેસ લડી ચૂક્યા છે.