Friday, April 25, 2025
More

    ‘ચમત્કાર’ નહીં થાય તો બજિન્દર સિંઘનુ થઈ જશે ‘યેશુ-યેશુ’!: માહોલી પોક્સો કોર્ટે યૌન ઉત્પીડન મામલામાં ઠેરવ્યો દોષી, 1 એપ્રિલે થશે સજા

    મોહાલી પોક્સો કોર્ટે (Maholi POCSO Court) ચમત્કારથી લોકોને સાજા કરવાના દાવા કરતા પાદરી બજિન્દર સિંઘને (Pastor Bajinder Singh) 2018ના યૌન ઉત્પીડન (Sexual Harassment) કેસમાં દોષી ઠેરવ્યો છે. આ કેસમાં લાંબા સમયથી ચાલી રહેલી કાયદાકીય કાર્યવાહી બાદ કોર્ટે 25 માર્ચના રોજ સુનાવણી પૂર્ણ કરી ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો.

    ત્યારે આજે, 28 માર્ચ 2025ના રોજ, નિર્ણય જાહેર કરતાં બજિન્દર સિંઘને દોષી જાહેર કરવામાં આવ્યો. સજાની વિગતો 1 એપ્રિલ 2025ના રોજ જાહેર થશે.

    ઝીરકપુરની એક મહિલાએ બજિન્દર સિંઘ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. ફરિયાદીના જણાવ્યા અનુસાર, 2017માં તેમનો સંપર્ક બજિન્દર સાથે થયો હતો, જેમણે તેને વિદેશ લઈ જવાની લાલચ આપીને તેનું યૌન શોષણ કર્યું હતું, આ ઘટનાનો વિડીયો રેકોર્ડ કરી, તેને સોશિયલ મીડિયા પર મૂકવાની ધમકી પણ આપી હતી.

    બજિન્દરની સાથે તેના સાથીઓ—જતિન્દર, અકબર અલી, સિતાર અલી, સુચા સિંઘ, રાજેશ ચૌધરી અને સંદીપ પહેલવાન—પર પણ મહિલા સાથે યૌન શોષણ કરવાનો આરોપ છે. ઉપરાંત, કેસમાં IPCની કલમ 376, 420, 354, 294, 323, 506, 148 અને 149 લાગુ કરવામાં આવી હતી.

    આ ઉપરાંત માર્ચ 2025માં એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં તે એક મહિલા અને તેના ભાઈ સાથે મારપીટ કરતો જોવા મળ્યો હતો. આ ઘટના બાદ મોહાલી પોલીસે FIR નોંધી હતી. આ મામલે તપાસ ચાલુ છે.