મહારાષ્ટ્રના (Maharashtra) અહમદનગર જિલ્લામાં આવેલા પ્રખ્યાત શનિ શિંગણાપુર (Shani Shinganapur Temple) મંદિરમાંથી 167 કર્મચારીઓને રજા આપી દીધી છે. જેમાં 114 મુસ્લિમ કર્મચારીઓનો સમાવેશ થતો હતો. આ નિર્ણય મંદિરમાં હિંદુ કર્મચારીઓની નિમણૂકની માંગણીને અને અનિયમિતતાને પગલે લેવાયો હોવાનું કહેવાયું છે. આ ઘટનાએ સ્થાનિક અને રાષ્ટ્રીય સ્તરે ચર્ચા જગાવી છે.
શનિ શિંગણાપુર મંદિર ટ્રસ્ટના અધિકારીઓએ જણાવ્યું કે, લાંબા સમયથી સ્થાનિક લોકો અને કેટલાક હિંદુ સંગઠનો દ્વારા મંદિરમાં ફક્ત હિંદુ કર્મચારીઓની નિમણૂક કરવાની માંગ ઉઠી રહી હતી. આ માંગણીઓના પગલે અને અનિયમિતતાના કારણે મંદિર ટ્રસ્ટે 114 મુસ્લિમ કર્મચારીઓ સહિત 167ને કામ પરથી હટાવવાનો નિર્ણય લીધો છે. ટ્રસ્ટે આ નિર્ણયને શિસ્ત અને વહીવટી કારણો સાથે જોડ્યો છે.
આ 114 કર્મચારીઓ મંદિરના વિવિધ વિભાગોમાં કામ કરતા હતા, જેમાં સફાઈ, સુરક્ષા અને અન્ય સેવાઓનો સમાવેશ થાય છે. આ નિર્ણયથી કર્મચારીઓ અને તેમના પરિવારોમાં અસંતોષ ફેલાયો છે. કેટલાક કર્મચારીઓએ આ નિર્ણયને ભેદભાવપૂર્ણ ગણાવ્યો છે અને તેની સામે કાનૂની પગલાં લેવાની વાત કરી છે.
આ ઘટનાએ ઘણી ચર્ચાઓ જગાવી છે. કેટલાક લોકોએ આ નિર્ણયને ભેદભાવ ગણાવ્યો છે, જ્યારે અન્ય લોકોએ મંદિર ટ્રસ્ટના નિર્ણયને સમર્થન આપ્યું છે. સ્થાનિક વહીવટ અને રાજ્ય સરકારે હજુ સુધી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી.