Sunday, June 22, 2025
More

    મહારાષ્ટ્રનું ઉસ્માનાબાદ રેલવે સ્ટેશન હવે કહેવાશે ‘ધારાશિવ રેલવે સ્ટેશન’: શહેરનું નામ બદલાયા બાદ રેલવે મથકના નામમાં ફેરફારને મંજૂરી

    મહારાષ્ટ્રના ઉસ્માનાબાદ શહેરનું નામ બદલાયા બાદ હવે રેલવે મથકનું નામ પણ સત્તાવાર રીતે બદલવામાં આવ્યું છે. 

    સેન્ટ્રલ રેલવેએ શુક્રવારે (30 મે) એક નોટિફિકેશન બહાર પાડીને જણાવ્યું કે ઉસ્માનાબાદ રેલવે સ્ટેશનનું નામ હવે ‘ધારાશિવ’ રેલવે સ્ટેશન હશે. સ્ટેશનનો અગાઉનો કોડ જે UMD હતો, તે હવે DRSV હશે તેમ પણ જણાવાયું. 

    ઉલ્લેખનીય છે કે ઉસ્માનાબાદ શહેરનું નામ મહારાષ્ટ્ર સરકાર પહેલાં જ બદલી ચૂકી છે, પરંતુ રેલવે સ્ટેશનનું નામ બદલવાનો કારભાર રેલવે પાસે હોય છે. આ માટે સરકાર તરફથી ભલામણ મોકલવામાં આવી હતી, જે સ્વીકારી લઈને મંજૂરી આપી દેવામાં આવી છે. 

    ઉસ્માનાબાદ અને ઔરંગાબાદ બે શહેરોનાં નામ સાથે બદલવામાં આવ્યાં હતાં. મહારાષ્ટ્રમાં શિંદે-ફડણવીસ સરકાર આવ્યા બાદ આ માટે કેન્દ્રને ભલામણો મોકલવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહમંત્રાલયે ફેબ્રુઆરી 2023માં તેને સ્વીકારીને મંજૂરી આપી દીધી હતી. ત્યારબાદ ઔરંગાબાદનું નામ છાત્રપતિ સંભાજી નગર અને ઉસ્માનાબાદનું નામ ધારાશિવ થયું હતું.