મહારાષ્ટ્રમાં (Maharashtra) ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) ધારાસભ્યોના નેતા ચૂંટાયા બાદ મહાયુતિના ત્રણ પક્ષોના મુખ્ય નેતાઓએ મળીને રાજ્યપાલ સમક્ષ સરકાર રચવાનો દાવો માંડ્યો હતો. દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજિત પવાર બુધવારે (4 ડિસેમ્બર) રાજ્યપાલ સમક્ષ પહોંચ્યા હતા અને ફડણવીસની આગેવાનીમાં સરકાર બનાવવાનો દાવો કર્યો હતો.
એકનાથ શિંદેએ શિવસેના તરફથી અને અજિત પવારે NCP તરફથી દેવેન્દ્ર ફડણવીસ અને ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપ્યું છે. રાજ્યપાલે ત્યારબાદ ફડણવીસને શપથગ્રહણ કરવા માટે આમંત્રણ પાઠવ્યું હતું. ગુરુવારે (5 ડિસેમ્બર) મુંબઈના આઝાદ મેદાન ખાતે સાંજે 5 વાગ્યે શપથગ્રહણ સમારોહ યોજાશે. જેમાં પીએમ મોદી પણ ઉપસ્થિત રહેશે.
સરકાર બનાવવાનો દાવો કર્યા બાદ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, “એકનાથ શિંદે અને અજિત પવારે મુખ્યમંત્રી પદ માટે મારું નામ સૂચવ્યું છે. મેં તેમને વિનંતી કરી છે કે તેઓ પણ સરકારનો હિસ્સો રહે. તેમની તરફથી સકારાત્મક પ્રતિક્રિયા મળશે તેવી આશા છે. અમે સાથે મળીને સરકાર ચલાવીશું.”
અજિત પવાર ઉપમુખ્યમંત્રી બનશે તે બાબતની પુષ્ટિ તેમણે સ્વયં કરી છે. શિંદેનો શું નિર્ણય છે એ સાંજ સુધીમાં જાણવા મળશે.