Friday, December 6, 2024
More

    ‘પ્રશાસનિક સ્તરે ચૂક થઈ હતી’: મહારાષ્ટ્રની કાર્યવાહક સરકારે પરત લીધો વક્ફ બોર્ડને ₹10 કરોડ ફાળવવાનો નિર્ણય

    તાજેતરમાં મીડિયામાં પ્રસારિત એક સમાચારમાં દાવો કરવામાં આવ્યો હતો કે મહારાષ્ટ્રની (Maharashtra) નવી મહાયુતિ સરકારે રાજ્યના વકફ બોર્ડને (Waqf Board) ₹10 કરોડની ગ્રાન્ટ ફાળવી છે. જે આદેશ હવે પરત લઈ લેવામાં આવ્યો છે. 

    ભારતીય જનતા પાર્ટી મહારાષ્ટ્રના અધિકારિક X હેન્ડલ પરથી એક પોસ્ટ કરીને જણાવવામાં આવ્યું કે, ‘વક્ફ બોર્ડને ₹10 કરોડ ફાળવવાનો પ્રશાસનનો GR રદ.’ 

    આગળ પાર્ટીએ જણાવ્યું કે, “એવા સમાચાર ફેલાવવામાં આવી રહ્યા છે કે ભાજપ-મહાયુતિ સરકારે મહારાષ્ટ્ર વક્ફ બોર્ડને તાત્કાલિક અસરથી ₹10 કરોડ રૂપિયાનું ભંડોળ ફાળવ્યું છે. પ્રશાસનિક સ્તરે અધિકારીઓએ અંદરોઅંદર ચર્ચા કરીને આ ખોટો નિર્ણય લઈ લીધો હતો, પરંતુ ભાજપ નેતાઓના કડક વિરોધ બાદ હવે નિર્ણય રદ કરી દેવામાં આવ્યો છે.”

    આગળ જણાવવામાં આવ્યું કે, વક્ફ બોર્ડનું ભારતના બંધારણમાં કોઈ સ્થાન ન હોવું જોઈએ, એ ભાજપનું સ્ટેન્ડ છે અને અમે સ્ટેન્ડ પર અડગ છીએ. 

    બીજી તરફ, આજતકના રિપોર્ટ અનુસાર, મુખ્ય સચિવ સુજિતા સૌનિકે GR પરત લેવાના નિર્ણયની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે, GR યોગ્ય તપાસ વગર ભૂલથી જાહેર કરી દેવામાં આવ્યો હતો.