Saturday, July 12, 2025
More

    મહારાષ્ટ્રની ફડણવીસ સરકારે સ્થગિત કરી થ્રી લેંગ્વેજ પોલિસી, સમીક્ષા માટે બનાવી સમિતિ 

    મહારાષ્ટ્રની દેવેન્દ્ર ફડણવીસ સરકારે ત્રિ-ભાષા નીતિના (Three Language Policy) અમલીકરણ પર હાલ પૂરતી રોક લગાવી છે અને સંપૂર્ણ મામલે સમીક્ષા કરવા માટે એક સમિતિની રચના કરી છે. 

    સીએમ ફડણવીસે રવિવારે (29 જૂન) રાજ્ય સરકારની કેબિનેટની બેઠક બાદ આ જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે 16 એપ્રિલ અને 17 જૂનના રોજ રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિફિકેશન હાલ સ્થગિત કરવામાં આવે છે. 

    મુખ્યમંત્રીએ કહ્યું કે, “આજે કેબિનેટ બેઠકમાં અમે થ્રી લેંગ્વેજ પોલિસીની ચર્ચા કરી હતી. અમે નિર્ણય કર્યો છે કે ડૉ. નરેન્દ્ર જાધવની આગેવાનીમાં એક સમિતિ બનાવવામાં આવશે, જે નક્કી કરશે કે કયા ધોરણોમાં આ ભાષાનો નિયમ લાગુ કરવામાં આવે, તેનું અમલીકરણ કઈ રીતે થઈ શકે, વિદ્યાર્થીઓને કયા વિકલ્પો આપવામાં આવે. સમિતિ જે રિપોર્ટ સુપરત કરે તેના આધારે રાજ્ય સરકાર થ્રી-લેંગ્વેજ પોલિસી પર અંતિમ નિર્ણય કરશે. ત્યાં સુધી 16 એપ્રિલ અને 17 જૂનના રોજ સરકારે બહાર પાડેલ GR રદ કરવામાં આવે છે.”

    ઉલ્લેખનીય છે કે 16 એપ્રિલ, 2025ના રોજ મહારાષ્ટ્ર સરકારે એક નોટિફિકેશન બહાર પાડીને મરાઠી અને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં હિન્દી ફરજિયાત ભાષા બનાવી હતી. જોકે વિરોધ થવા માંડ્યો તો 17 જૂનના રોજ સરકારે એક સુધારો કરીને કહ્યું કે હિન્દી સામાન્ય રીતે ત્રીજા વિકલ્પ તરીકે હશે, પરંતુ જો 20થી વધુ વિદ્યાર્થીઓ તૈયાર થાય તો શાળાઓ અન્ય ભારતીય ભાષાઓ પણ ભણાવી શકશે. 

    આ મામલે એક તરફ રાજકારણ પણ શરૂ થઈ ગયું હતું તો બીજી તરફ હવે સરકારે નીતિ પર ફરી એક વખત સમીક્ષા કરવાનું નક્કી કર્યું છે.