Friday, December 6, 2024
More

    મહારાષ્ટ્રમાં ચૂંટણી સભા દરમિયાન મંચ પર જ પોલીસે પકડાવી નોટિસ, તો ઓવૈસીને યાદ આવી ‘15 મિનિટ’, ટોળાને ઉશ્કેર્યું

    મહારાષ્ટ્રમાં ચૂંટણી (Maharashtra Elections) પ્રચાર કરવા માટે પહોંચેલા AIMIM સાંસદ અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi) ફરી વિવાદમાં સપડાયા છે. 

    બન્યું એવું કે એક ચૂંટણી સભા દરમિયાન પોલીસે તેમને ભડકાઉ ભાષણ ન આપવાની અપીલ સાથે એક નોટિસ પકડાવી હતી. જેની મજાક ઉડાવતાં તેમણે મંચ પરથી જ નોટિસ વાંચી સંભળાવી અને ત્યારબાદ ભાઈ અકબરુદ્દીન ઓવૈસીની કુખ્યાત ’15 મિનિટ’વાળી સ્પીચનો ઉલ્લેખ કર્યો હતો. 

    બુધવારે (13 નવેમ્બર) સોલાપુરમાં આ ઘટના બની. ઓવૈસીને સ્થાનિક પોલીસે મંચ પરથી એક નોટિસ આપીને અન્ય ધાર્મિક સમુદાયોની લાગણી ન દુભાય તેનું ધ્યાન રાખવા માટે અને આદર્શ આચારસંહિતાનું ઉલ્લંઘન ન થાય તે માટે ટકોર કરી હતી. પણ ઓવૈસીએ મંચ પરથી જ તે નોટિસ વાંચવાનું શરૂ કરી દીધો. 

    નોટિસ વાંચતાં-વાંચતાં તેઓ અટકી ગયા અને ત્યારબાદ ટોળાને કહ્યું, ‘હજુ 15 મિનિટનો સમય બાકી છે.’ ત્યારબાદ ઉશ્કેરાટમાં ટોળું બૂમાબૂમ કરવા માંડ્યું. 

    નોંધનીય છે કે વર્ષ 2012માં ઓવૈસીના ભાઈ અકબરુદ્દીન ઓવૈસીએ એક ભાષણમાં 15 મિનિટ માટે પોલીસ હટાવી દેવા અને હિંદુઓને દેખાડી દેવાની વાત કહી હતી. તાજેતરમાં અકબરુદ્દીને પણ પોતાના એક ભાષણમાં આડકતરી રીતે આ ’15 મિનિટ’નો ઉલ્લેખ કર્યો હતો.