મહારાષ્ટ્રમાં ભાજપ ગઠબંધન (મહાયુતિ) ઐતિહાસિક વિજય મેળવવા તરફ આગળ વધી રહ્યું છે. શનિવારે (23 નવેમ્બર) સવારથી મતગણતરી ચાલી રહી છે અને શરૂઆતથી મહાયુતિએ જે રફ્તાર પકડી હતી, તેમાં પછી ઘટાડો થયો નથી. બીજી તરફ, મહાવિકાસ આઘાડીની હાલત અત્યંત કપરી બની છે અને સંભવતઃ એવું પણ બને કે તેમને વિપક્ષ નેતાનું પદ પણ નસીબ ન થાય.
કુલ 288માંથી 217 બેઠકો પર મહાયુતિ આગળ છે. જેમાંથી 125 બેઠકો માત્ર ભાજપની છે. બહુમતી માટે 145 બેઠકોની જરૂર છે. શિવસેના (એકનાથ શિંદે) પણ 56 બેઠકો સાથે આગળ છે. NCPની (અજિત) 37 બેઠકો પર લીડ છે.
સામે તરફે મહાવિકાસ આઘાડી માંડ પચાસનો આંકડો પાર કરી શકી છે. જેમાં કોંગ્રેસ અને ઉદ્ધવ સેના 19-19 બેઠકો પર અને NCP (શરદ) 13 બેઠકો પર આગળ છે. બંને ગઠબંધન વચ્ચે અંતર એટલું છે કે હવે કોઈ કાળે મહાવિકાસ આઘાડી પરિણામોમાં ઉલટફેર કરી શકે તેમ નથી.
હવે માત્ર ઔપચારિકતાઓ રહી છે. મહારાષ્ટ્રમાં ફરી એક વખત મહાયુતિની સરકાર બનવી નક્કી છે.