Saturday, March 22, 2025
More

    ‘ઈલેક્શન કમિશન કુત્તા, મોદી કે બંગલે કે બહાર બેઠતા હૈ’: મહારાષ્ટ્રમાં કોંગ્રેસની હારથી બેબાકળા બનેલા નેતાની વિવાદાસ્પદ ટિપ્પણી

    મહારાષ્ટ્ર કોંગ્રેસના એક નેતાની ચૂંટણી પંચ પરની ટિપ્પણીથી વિવાદ સર્જાયો છે. તેમણે કહ્યું કે, ચૂંટણી પંચ કૂતરા જેવું છે અને કાયમ વડાપ્રધાન મોદીના બંગલાની બહાર બેસી રહે છે. ટિપ્પણીથી વિવાદ સર્જાયો અને ભાજપે વિરોધ નોંધાવ્યો તેમ છતાં કોંગ્રેસની કારમી હારથી બેબાકળા બનેલા આ કોંગ્રેસી નેતાએ માફી માંગી ન હતી. 

    આ નેતાની ઓળખ મહારાષ્ટ્રના MLC ભાઈ જગતાપ તરીકે થઈ છે. વિધાનસભા ચૂંટણીમાં મહાવિકાસ આઘાડી અને ખાસ કરીને કોંગ્રેસનો જે રકાસ થયો તેનાથી તેઓ એટલા ઉશ્કેરાઈ ગયા કે તેમને ચૂંટણી પંચની સરખામણી શ્વાન સાથે કરી નાખી અને કહ્યું કે, તે પીએમ મોદીના ઇશારે કામ કરે છે. 

    એટલું જ નહીં, તેમણે EVMનાં પણ રોદણાં રડ્યાં હતાં અને કહ્યું કે, મહાયુતિએ આ જીત EVMમાં ચેડાં કરીને મેળવી છે. સાથે તેમણે બેલેટ પેપરથી ચૂંટણી કરવાની માંગ કરી હતી. 

    આ ટિપ્પણી બાદ ભાજપ નેતા કિરીટ સોમૈયાએ ચૂંટણી પંચ અને પોલીસ કમિશનર સમક્ષ ફરિયાદ નોંધાવી હતી. આ બાબતની જાણકારી તેમણે પોતાના X અકાઉન્ટ પરથી આપી હતી.