Wednesday, December 4, 2024
More

    ‘આ વિજય ઐતિહાસિક, મહારાષ્ટ્રની જનતાનો આભાર’: પરિણામ બાદ એકનાથ શિંદે, CM પદ અંગે કહ્યું- ત્રણેય પાર્ટીઓ મળીને કરશે નિર્ણય

    મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિની ભવ્ય જીત બાદ મુખ્યમંત્રી અને શિવસેનાના અધ્યક્ષ એકનાથ શિંદેનું પ્રથમ નિવેદન સામે આવ્યું છે. તેમણે પ્રચંડ જનાદેશ બદલ મહારાષ્ટ્રની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો. બીજી તરફ મુખ્યમંત્રી પદ વિશે કહ્યું કે, ત્રણેય પાર્ટીઓ સાથે મળીને આ મામલે નિર્ણય કરશે. 

    શિંદેએ કહ્યું કે, “હું મહારાષ્ટ્રની જનતાનો આભાર વ્યક્ત કરું છું. આ ઐતિહાસિક વિજય છે. મેં પહેલાં પણ કહ્યું હતું કે, મહાયુતિ ભવ્ય વિજય મેળવશે. હું સમાજના દરેક વર્ગનો આભાર વ્યક્ત કરું છું. હું મહાયુતિની પાર્ટીઓના કાર્યકર્તાઓનો પણ આભાર વ્યક્ત કરું છું.”

    મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી કોણ હશે, તે પ્રશ્ન પર શિવસેના નેતાએ કહ્યું કે, “અંતિમ પરિણામો આવવા દો. ત્યારબાદ જે રીતે અમે સાથે મળીને ચૂંટણી લડ્યા, એ જ રીતે ત્રણેય પાર્ટીઓ સાથે મળીને નિર્ણય કરશે કે મુખ્યમંત્રી કોણ હશે.”

    નોંધવું જોઈએ કે મહાયુતિ ચૂંટણી પણ મુખ્યમંત્રી ચહેરા વગર જ લડી હતી. હાલ સીએમ એકનાથ શિંદે છે.