Tuesday, February 4, 2025
More

    મહાકુંભ નાસભાગ બાબતે ‘Misinformation’ ફેલાવવામાં વિપક્ષી પાર્ટીઓ પણ હતી સામેલ: 7 સોશિયલ મીડિયા યુઝર વિરુદ્ધ FIR

    પ્રયાગરાજમાં ચાલી રહેલ મહાકુંભમાં (Prayagraj Mahakumbh – 2025) 29 જાન્યુઆરી મૌની અમાવાસ્યાના રોજ જે નાસભાગ મચી જેને લઈને વિપક્ષે ઘણું રાજકારણ કર્યું તથા ખોટી માહિતી (Misinformation) પણ ફેલાવી હતી. જે સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ પણ થઈ હતી. ત્યારે આ મામલે હવે સરકારે સંજ્ઞાન લઈને કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે.

    અહેવાલ અનુસાર પોલીસે સંજ્ઞાન લઈને એવા 7 સોશિયલ મીડિયા યુઝર વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી જે આવી ભ્રામક માહિતી ફેલાવવામાં સામેલ હતા. આ ઉપરાંત તેમની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી હતી. બીજી તરફ આવી માહિતી ફેલાવતા લોકોને યોગી સરકારે પણ ચેતવણી આપી હતી.

    આ નાસભાગ બાદ CM યોગીએ તાત્કાલિક ઉચ્ચસ્તરીય બેઠક કરી હતી, ઉપરાંત મહાકુંભની વ્યવસ્થાઓમાં પણ મોટા બદલાવ લાવવામાં આવ્યા હતા. આ સિવાય વસંતપંચમીના અમૃત સ્નાન નિમિત્તેની વ્યવસ્થાનું નિરીક્ષણ કરવા CM યોગી મહાકુંભમાં પણ પહોંચ્યા હતા. તેમણે તેમના નિવાસસ્થાન ખાતેના વોર રૂમમાંથી સમગ્ર મેળાની વ્યવસ્થાઓનું નિરક્ષણ પણ કર્યું હતું.  

    નોંધનીય છે કે આ ઘટના સામે આવ્યા બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ એવા દાવા કર્યા હતા કે મહાકુંભમાં થયેલી ભાગદોડના કારણે ‘હજારો’ લોકોના મૃત્યુ થયા હતા. આ માહિતી સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. જોકે સરકારી આંકડા અનુસાર આ ઘટનામાં 30 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

    આ સિવાય સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચને સરકાર પર એવો આરોપ લગાવ્યો હતો કે મૃતદેહો નદીમાં ફેંકવામાં આવ્યા જેના કારણે નદીનું પાણી દુષિત થયું હતું. આ સિવાય સપા સુપ્રીમો અખિલેશ યાદવના પત્ની ડિમ્પલ યાદવે યોગી સરકાર પર એવો આરોપ લગાવ્યો હતો કે સરકાર આંકડા છૂપાવી રહી છે.