સોમવારે (27 જાન્યુઆરી) મહાકુંભમાં હિંદુ ધર્મના સંતોની ધર્મ સંસદ યોજવામાં આવી હતી. ધર્મ સંસદમાં સનાતન બોર્ડના ગઠનનો પ્રસ્તાવ સર્વસંમતિથી પાસ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સાથે જ વડાપ્રધાનને સનાતન બોર્ડના ગઠન માટેની માંગણી પણ કરવામાં આવી છે. જોકે, 13 અખાડા અને 4 શંકરાચાર્ય આ સંસદમાં સામેલ થયા નહોતા. પરંતુ, એકંદરે હજારોની સંખ્યામાં સન્યાસીઓ તેમાં હાજર રહ્યા હતા.
ધર્મ સંસદમાં જગદગુરુ વિદ્યા ભાસ્કરે PM મોદીને વર્શિપ એક્ટ ખતમ કરવાની માંગણી કરી છે. તેમણે કહ્યું કે, આ મામલે સરકારને માંગપત્ર પણ મોકલવામાં આવી રહ્યો છે. આ સાથે જ નારો પણ આપવામાં આવ્યો હતો. ‘સંભલ, મથુરા, વિશ્વનાથ.. તીનો લેંગે એકસાથ’ આ નારો ધર્મ સંસદમાં ગુંજી રહ્યો હતો.
આ સાથે જ અયોધ્યાથી આવેલા વલ્લભદાસ મહારાજે પણ એક નારો આપ્યો છે. તેમણે ‘રામલલા હમ આયેંગે, મંદિર હર જગહ બનાયેંગે’નો નારો આપ્યો હતો. આ સાથે જ ધર્મ સંસદમાં વક્ફ બોર્ડ પર પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. આ સાથે જ વક્ફ સંશોધન બિલનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું.