Wednesday, March 26, 2025
More

    દુનિયાના 193 દેશોની જેટલી વસ્તી નથી, તેટલા સનાતનીઓ પહોંચ્યા મહાકુંભમાં: પવિત્ર સ્નાન કરનારાઓનો આંકડો પહોંચ્યો 50 કરોડને પાર, હજુ 12 દિવસ ચાલશે મહાપર્વ

    ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભમાં જનારા શ્રદ્ધાળુઓનો આંકડો 50 કરોડને પાર કરી ગયો છે. UP સરકારના માહિતી વિભાગના ડાયરેક્ટરે શુક્રવારે (14 ફેબ્રુઆરી) આ જાણકારી આપી. 14 ફેબ્રુઆરી, 2025ના રોજ સાંજે 6 વાગ્યા સુધીમાં 50 કરોડ હિંદુઓએ પવિત્ર સ્નાનનો લાભ લીધો હોવાનું સત્તાવાર રીતે જણાવવામાં આવ્યું છે. 

    13 ફેબ્રુઆરી, 2025ના રોજ માઘ પૂર્ણિમાનું સ્નાન હતું. જે દિવસે પણ કરોડો લોકો પહોંચ્યા હતા. 13મીએ સાંજે 6 વાગ્યે કુલ શ્રદ્ધાળુઓનો આંકડો 49.14 કરોડ પહોંચી ગયો હતો. ત્યારબાદ 14મીએ આખરે આંકડો 50 કરોડ પાર ગયો. 

    નોંધવું જોઈએ કે દુનિયામાં કુલ 195 દેશો છે. તેમાંથી બે જ દેશ એવા છે જેની વસ્તી 50 કરોડથી વધારે છે. એક ભારત અને બીજો ચીન. ત્રીજા ક્રમે અમેરિકા આવે છે, જેની વસ્તી 33 કરોડ આસપાસ છે. એટલે 193 દેશોની વસ્તી કરતાં વધારે શ્રદ્ધાળુઓ મહાકુંભમાં પહોંચ્યા છે. જે આજ સુધીનો કોઈ પણ ધાર્મિક કાર્યક્રમનો રેકોર્ડ છે. 

    હજુ મહાકુંભ 26 ફેબ્રુઆરી સુધી ચાલશે. 13 જાન્યુઆરીના રોજ શરૂ થયેલ આ મહાપર્વનું સમાપન આ દિવસે થશે. ત્યાં સુધીમાં સંભવતઃ આંકડો 60 કરોડ પણ પાર કરી જશે.