Thursday, July 10, 2025
More

    ભોપાલના 90 ડિગ્રી રેલ ઓવરબ્રિજના નિર્માણ મામલે 7 એન્જીનિયરો સસ્પેન્ડ, એજન્સી બ્લેકલિસ્ટ કરાઈ

    તાજેતરમાં ભોપાલનો એક બ્રિજ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાનો વિષય બન્યો હતો અને તેનું કારણ તેની ડિઝાઇન હતી. 90 ડિગ્રીના કાટખૂણે બનાવવામાં આવેલા આ બ્રિજના નિર્માણ બદલ મધ્ય પ્રદેશ સરકારે સાત એન્જીનિયરોને સસ્પેન્ડ કરી દીધા છે, જેમાં પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટના બે ચીફ એન્જીનિયરો પણ સામેલ છે. 

    કાર્યવાહી વિશે જાણકારી આપતાં મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે X પર એક પોસ્ટ કરીને કહ્યું કે, “એશબાગ આરઓબીના નિર્માણમાં થયેલી ગંભીર લાપરવાહી મામલે મેં સંજ્ઞાન લઈને તપાસના આદેશ આપ્યા હતા. તપાસ રિપોર્ટના આધારે લોકનિર્માણ વિભાગના 8 એન્જીનિયરો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. 2 CE સહિત સાત એન્જીનિયરોને તાત્કાલિક અસરથી નિલંબિત કરી દેવામાં આવ્યા છે. એક સેવાનિવૃત્ત SE વિરુદ્ધ વિભાગીય તપાસ કરવામાં આવશે. 

    તેમણે વધુમાં જણાવ્યું કે આ પ્રોજેક્ટમાં ROBની ત્રુટિપૂર્ણ ડિઝાઇન રજૂ કરવા પર નિર્માણ એજન્સી અને ડિઝાઇન કન્સલ્ટન્ટ બંનેને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યાં છે. આરઓબીમાં આવશ્યક સુધાર માટે સમિતિ બનાવવામાં આવી છે. સુધારા બાદ જ આરઓબીનું લોકાર્પણ કરવામાં આવશે. 

    ભોપાલમાં બનેલો આ રેલ ઓવર બ્રિજ 18 કરોડ રૂપિયાના ખર્ચે બન્યો હતો. જ્યારે તેની તસવીરો વાયરલ થઈ તો સવાલો ઉઠવાના શરૂ થયા. શરૂઆતમાં તો અધિકારીઓએ બચાવ કર્યો હતો પણ રાજ્ય સરકાર સ્તરે તપાસ થઈ તો સમગ્ર કૌભાંડ બહાર આવ્યું.