મહાકાલ નગરી તરીકે જાણીતા ઉજ્જૈનના બિછડોદ ગામમાં લવ જેહાદનો મામલો સામે આવ્યા બાદ હોબાળો મચી ગયો હતો. હિંદુ સંગઠનોએ આરોપી ફરમાનના ઘરને આગ ચાંપી અને તોડફોડ કરી હતી. સંગઠનોનો આરોપ છે કે ફરમાન, ઇકરાર, ઉઝૈર પઠાણ, રાજા રંગરેઝ, ઝુબૈર મન્સૂરી, જુનૈદ મન્સૂરી અને ફૈઝ ખાને ગામની હિંદુ યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી તેમના અશ્લીલ વિડીયો બનાવ્યા હતા અને તેમને બ્લેકમેલ પણ કરવામાં આવતી હતી.
અહેવાલો અનુસાર, સોમવારે એક યુવતીનો વિડીયો વાયરલ થયા બાદ ગ્રામીણોએ ફરમાન અને ઇકરારને પકડી લીધા હતા અને તેમની પૂછપરછ કરી હતી. તેમના ફોનમાંથી અશ્લીલ ફોટા, વિડીયો અને કોલ રેકોર્ડીંગ મળી આવ્યા હતા. ગુસ્સે ભરાયેલા ગ્રામજનોએ ફરમાનને પોલીસ સ્ટેશનને સોંપ્યો હતો.
આ પછી ગ્રામજનો અને હિંદુ સંગઠનો સાથે સંકળાયેલા લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગુસ્સે ભરાયેલા લોકોએ આરોપીઓના ઘરોને આગ લગાડવાનો પ્રયાસ કર્યો હતો, જેને પોલીસ અને ફાયર બ્રિગેડ દ્વારા નિષ્ફળ કરવામાં આવ્યો હતો. હાલમાં તણાવને ધ્યાનમાં રાખીને વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
એસપી પ્રદીપ શર્માએ જણાવ્યું છે કે, સાતેય આરોપીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. સાયબર ટીમ તેનો મોબાઇલ ડેટા ચકાસી રહી છે. હિંદુ જાગરણની નીલુએ જણાવ્યું છે કે આરોપીઓ યુવતીઓને બ્લેકમેલ કરતા હતા અને પૈસાની માંગણી કરતા હતા.