મહીસાગર (Mahisagar) જિલ્લાના લુણાવાડાની (Lunawada) મહેરુનિશા મસ્જિદ (Masjid) પરથી લાઉડસ્પીકર (Loud Speaker) ઉતારી લેવામાં આવ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, છેલ્લા ઘણા સમયથી સ્થાનિક રહીશોએ આ મામલે જાહેરનામા ભંગની ફરિયાદ કરી હતી. મસ્જિદની નજીક જ સ્કૂલો, હોસ્પિટલ અને રહેણાંક વિસ્તાર હોવાથી સ્થાનિકોએ કાર્યવાહી કરવા માટેની માંગણી કરી હતી.
સ્થાનિકોની ફરિયાદ બાદ મસ્જિદના ટ્રસ્ટીને લાઉડસ્પીકર બંધ કરવા માટે પણ કહેવાયું હતું. જે બાદ બે-ત્રણ દિવસ સુધી લાઉડસ્પીકર બંધ પણ રાખવામાં આવ્યા હતા. પરંતુ તે પછી ફરીથી લાઉડસ્પીકર ચાલુ કરી દીધા હતા. ત્યારબાદ સ્થાનિકોએ ઉચ્ચ કક્ષએ રજૂઆત કરી હતી અને ઘટનાની તમામ માહિતી પણ આપી હતી.
સ્થાનિકોની રજૂઆતના આધારે ગૃહ મંત્રાલયે કાર્યવાહીના આદેશ આપ્યા હતા. લુણાવાડા પોલીસે મસ્જિદના ટ્રસ્ટીઓ સાથે બેઠક કરી સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ જાહેરનામાનો ભંગ થઈ રહ્યો હોવાની જાણ કરી હતી. જે બાદ આખરે મસ્જિદમાંથી લાઉડસ્પીકર ઉતારી લેવામાં આવ્યા હતા.