અમેરિકાના લોસ એન્જલસમાં (Los Angeles) ઇમિગ્રેશન રેઇડ્સ અને લૂંટફાટના વિરોધમાં ચાલી રહેલા હિંસક પ્રદર્શનોને કારણે મેયરે શહેરમાં આંશિક કર્ફ્યુ (Curfew) લાગુ કર્યો છે. અહેવાલો અનુસાર, આ વિરોધ પ્રદર્શનો દેશભરમાં ફેલાયા છે, જેમાં ન્યૂયોર્ક, શિકાગો અને કેલિફોર્નિયાના અન્ય ભાગોમાં પણ તણાવ જોવા મળી રહ્યો છે.
લોસ એન્જલસમાં પાંચમા દિવસે પણ વિરોધ પ્રદર્શનો ચાલુ છે, જેના કારણે શહેરમાં વ્યાપક નુકસાન થયું છે. અહેવાલો અનુસાર એપલના સ્ટોરમાં લૂંટફાટ કરવામાં આવી છે. આ સિવાય પ્રદર્શનો દરમિયાન આગચંપી અને હિંસાની ઘટનાઓ પણ સામે આવી છે. ત્યારે આ પરિસ્થિતિને વણસતી રોકવા માટે સ્થાનિક વહીવટે કર્ફ્યુ લાગુ કર્યો છે અને નેશનલ ગાર્ડને તહેનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટની (ICE) સુરક્ષા માટે પણ વધારાના પગલાં લેવામાં આવ્યા છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ સ્થિતિ અંગે નિવેદન આપીને લોસ એન્જલસને ‘મુક્ત’ કરવાનું વચન આપ્યું છે. ન્યૂયોર્ક અને શિકાગોમાં પણ વિરોધ પ્રદર્શનો થયા છે, જેમાં લોકો ઇમિગ્રેશન રેઇડ્સની નીતિનો વિરોધ કરી રહ્યા છે. સ્થાનિક વહીવટ અને પોલીસ શાંતિ જાળવવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ હિંસા અને લૂંટફાટના અહેવાલો ચિંતાજનક છે.
આ સ્થિતિ પર નજર રાખવા માટે નેશનલ ગાર્ડ અને અન્ય સુરક્ષાદળો સતર્ક છે. લોસ એન્જલસના મેયરે લોકોને શાંતિ જાળવવા અને કર્ફ્યુનું પાલન કરવા અપીલ કરી છે. આ ઘટનાઓએ અમેરિકાની રાજકીય અને સામાજિક સ્થિતિ પર નવી ચર્ચા શરૂ કરી છે.