Monday, March 17, 2025
More

    અમેરિકાના કેલિફોર્નિયામાં ફરી આગ, 50 હજાર લોકોનું સ્થળાંતરણ કરાવવા આદેશ

    અમેરિકાના કેલિફોર્નિયામાં લાગેલી આગે ખૂબ વિનાશ વેર્યો હતો. તેની ઉપર માંડ કાબૂ મેળવાયો ત્યારે હવે લોસ એન્જલસના બીજા એક જંગલમાં આગ લાગી હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ આગના કારણે હજારો લોકોનું સ્થળાંતર કરાવવું પડ્યું હતું. આ આગ ઉત્તરપશ્ચિમ લોસ એન્જલસમાં લાગી હોવાનું કહેવામાં આવી રહ્યું છે છે. અહેવાલ અનુસાર લોસ એન્જલસમાં ભડકી રહેલ આ નવી આગ કાસ્ટેઇક લેક નજીકના જંગલ વિસ્તારમાં લાગી છે.

    8,000 એકર એટલે કે 3,200 હેક્ટરનો વિસ્તાર આગની ઝપેટમાં આવી ચૂક્યો છે. 22 જાન્યુઆરીના રોજ આ આગ ભડકી હોવાનું કહેવાઈ રહ્યું છે. આગ ઝડપથી ફેલાઈ રહી હોવાથી 50,000 લોકોનું સ્થળાંતર કરાવવાની ચેતવણી આપવામાં આવી હતી. LA કાઉન્ટી શેરિફ રોબર્ટ લુનાએ જણાવ્યા અનુસાર કે 31,000થી વધુ લોકોને સ્થળાંતર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે, અને બીજા 23,000 લોકોને સ્થળાંતર કરવાની ચેતવણી આપવામાં આવી છે.

    ઈમરજન્સી વાહનો અને સાધનો મોકલવા માટે ઉત્તર-દક્ષિણ હાઇવેનો 30-માઇલ (લગભગ 48-કિલોમીટર) ભાગ બંધ કરવામાં આવ્યો હતો. આ આગને આગળ વધતી અટકાવવા માટે હવામાંથી પાણી છોડી શકતા વિમાનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

    નોંધનીય છે કે આ પહેલાં પણ લગભગ 15 દિવસ પહેલાં કેલિફોર્નિયાના 5 જંગલોમાં ભીષણ આગ લાગી હતી. આ આગના પગલે લગભગ 2 લાખથી વધુ લોકો સ્થળાંતર કરી ચૂક્યા છે અને 27 લોકોનાં મૃત્યુ થઇ ચૂક્યાં છે. આ આગને નિષ્ણાતો પરમાણુ વિસ્ફોટ સાથે સરખાવી રહ્યા છે.