અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું એ ઘટનામાં 242 મુસાફરોમાંથી એકમાત્ર જીવિત બચેલા વિશ્વાસકુમાર રમેશને અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. બુધવારે (18 જૂન) સવારે તેમને રજા અપાઈ.
ગુરુવારે (12 જૂન) વિમાન દુર્ઘટના બાદ વિશ્વાસને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. છ દિવસ બાદ રજા આપવામાં આવી છે.
મૂળ ભારતીય અને બ્રિટિશ નાગરિક વિશ્વાસકુમાર તેમના ભાઈ અજય સાથે લંડન જઈ રહ્યા હતા. પરંતુ બોઇંગ 787 ડ્રીમલાઇનર ઉડાન ભર્યાની અમુક સેકન્ડોમાં જ ક્રેશ થઈ ગયું. વિશ્વાસકુમાર ઇમરજન્સી એક્ઝિટ પાસે બેઠા હતા, ત્યાંથી નીચે કૂદકો લગાવતાં આબાદ બચાવ થયો હતો. તેઓ આ દુર્ઘટનાના એકમાત્ર જીવિત મુસાફર છે. તેમના ભાઈનું આ દુર્ઘટનામાં મૃત્યુ થયું. જેમનો પાર્થિવ દેહ પરિવારને મંગળવારે રાત્રે સોંપી દેવામાં આવ્યો હતો.
બીજી તરફ, મૃતકોના DNA મેચ કરવાની કામગીરી સતત ચાલી રહી છે. અત્યાર સુધી 184 DNA મેચ થઈ ગયા છે. જેમ-જેમ મેચ થાય તેમ મૃતદેહો પરિવારોને સોંપવાનું પણ સતત ચાલુ છે.