Saturday, April 26, 2025
More

    મણિપુરમાં લાગુ થશે રાષ્ટ્રપતિ શાસન!: વૈધાનિક ઠરાવ લોકસભામાં થયો પસાર, હવે રાજ્યસભામાં થશે રજૂ

    3 એપ્રિલે લોકસભામાં મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન (President Rule in Manipur) લાગુ કરવાનો વૈધાનિક ઠરાવ (Statutory Resolution Pass) પસાર કર્યો હતો. તમામ પક્ષોના સભ્યોએ આ નિર્ણયને ટેકો આપ્યો, પરંતુ રાજ્યની સ્થિતિ માટે કેન્દ્રની ટીકા પણ કરી હતી. જે અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) કહ્યું કે સરકારે મુશ્કેલીગ્રસ્ત પૂર્વોત્તર રાજ્યમાં સામાન્ય સ્થિતિ પાછી લાવવા માટે તમામ શક્ય પગલાં લીધાં છે.

    તેમણે કહ્યું કે છેલ્લા ચાર મહિનામાં મણિપુરમાં કોઈ હિંસા થઈ નથી તથા શાંતિપૂર્ણ ઉકેલ માટે મેઈતેઈ અને કુકી બંને સમુદાયો સાથે વાતચીત ચાલુ છે. તેમણે કહ્યું, “એકંદરે પરિસ્થિતિ શાંતિપૂર્ણ છે. હજુ સુધી હું એમ નહીં કહું કે પરિસ્થિતિ સંતોષકારક છે. સરકાર મણિપુરમાં શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે શક્ય તમામ પગલાં લઈ રહી છે.”

    નોંધનીય છે કે ‘બંધારણની કલમ 356 (1) હેઠળ મણિપુર રાજ્યના સંદર્ભમાં 13 ફેબ્રુઆરી, 2025ના રોજ રાષ્ટ્રપતિ દ્વારા જારી કરાયેલી ઘોષણાની વિચારણા ઠરાવ ગૃહમાં મતદાન દ્વારા પસાર કરવામાં આવ્યો હતો. હવે આ ઠરાવ રાજ્યસભામાં પસાર થવા માટે મુકવામાં આવશે.

    ગૃહમંત્રીએ ચર્ચા દરમિયાન પાછલા સમયમાં થયેલી હિંસાના આંકડા આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે, “એક દાયકા સુધી છૂટાછવાયા હિંસા ચાલુ રહી, જેમાં 750 લોકોના મોત થયા. 1997-98માં કુકી-પૈતે અથડામણો થઈ હતી, જેમાં 352 લોકો માર્યા ગયા હતા.”

    તેમણે આગળ કહ્યું કે, “1990ના દાયકામાં મેઈતેઈ-પંગલ અથડામણોમાં 100 થી વધુ લોકો માર્યા ગયા હતા. ન તો તત્કાલીન વડા પ્રધાન કે ન તો તત્કાલીન ગૃહમંત્રી મણિપુરની મુલાકાતે ગયા હતા.” ગૃહમંત્રીએ કહ્યું કે એવી છાપ ઉભી કરવામાં આવી છે કે હિંસા ફક્ત ભાજપના શાસન દરમિયાન જ ફાટી નીકળી હતી, જે યોગ્ય નથી.