ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને લઈને પરિણામ જાહેર થઈ રહ્યું છે. ત્યારે હમણાં સુધીની માહિતી અનુસાર, રાજ્યમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે. ચૂંટણીમાં 66 નગરપાલિકાની સામાન્ય, 2 નગરપાલિકાની મધ્યવર્તી તથા જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને મતગણતરી ચાલી રહી છે. આ ચૂંટણીમાં પણ ભાજપ જ આગળ ચાલી રહ્યું છે.
ચોરવાડ નગરપાલિકા વોર્ડ નંબર-3માં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાનો પરાજય થયો છે. આ સાથે જ હમણાં સુધીની માહિતી અનુસાર, 34 નગરપાલિકામાં ભાજપની ભવ્ય જીત થઈ છે અને કુલ 1677માંથી 1001 સીટ પર ભગવો લહેરાયો છે.
વિશેષમાં દ્વારકામાં ભાજપે ક્લીન સ્વીપ કર્યું છે. જાણવા મળી રહ્યું છે કે, દ્વારકાની તમામ 28 બેઠકો પર ભાજપની જીત થઈ છે. આ સાથે જ પ્રાંતિજ નગરપાલિકામાં પણ ભાજપે એકતરફી જીત હાંસલ કરી છે. આ સાથે જ ભાજપે કુલ 1002 બેઠકો જીતી છે, કોંગ્રેસે 135 અને આમ આદમી પાર્ટીએ 6 બેઠકો જીતી છે. વધુમાં BSPએ 7 અને અપક્ષ ઉમેદવારોએ 84 બેઠકો જીતી છે.