કેરળના દરિયાકાંઠા નજીક લાઇબેરિયાનું માલવાહક જહાજ ડૂબ્યું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. અધિકારીઓએ રવિવારે (25 મે) જણાવ્યું છે કે, 13 જોખમી કાર્ગો સહિત 640 કન્ટેનર લઈને જઈ રહેલું લાઇબેરિયાનું જહાજ કેરળના દરિયાકાંઠા નજીક પલટી ગયું હતું અને ડૂબી ગયું હતું. આ ઘટનાને લઈને પર્યાવરણને નુકસાન પહોંચવાની શક્યતા પણ વધતી જોવા મળી રહી છે. જોકે, તે માટેની કાર્યવાહી પણ શરૂ થઈ ગઈ છે.
ભારતીય કોસ્ટગાર્ડે (ICG) રવિવારે એક નિવેદનમાં કહ્યું છે કે, “25 મેની સવારે MMC ELSA 3 ઝડપથી ઝૂકી ગયું હતું અને પલટી ગયું હતું.” આ સાથે કોસ્ટગાર્ડે તે પણ જણાવ્યું છે કે, તમામ 24 ક્રૂ મેમ્બરોને બચાવી લેવામાં આવ્યા છે. પહેલા 21 મેમ્બરોને બચાવાયા હતા અને ત્રણ લોકો જહાજ છોડીને ડૂબી ગયા હતા, હવે તેમને પણ INS સુજાતા દ્વારા બચાવી લેવામાં આવ્યા છે.
ICGએ એવું પણ કહ્યું છે કે, પોલ્યુશન રિસ્પોન્સ ઇક્વિપમેન્ટથી સજ્જ ‘સક્ષમ જહાજ’ને કોઈપણ તેલ ગળતરની પરિસ્થિતિનો સામનો કરવા માટે ઘટનાસ્થળે તહેનાત કરવામાં આવ્યું છે. વધુમાં જણાવાયું છે કે, 640 કન્ટેનરમાંથી 13માં જોખમી કાર્ગો હતો, જ્યારે 12 કન્ટેનરમાં કેલ્શિયમ કાર્બાઈડ હતું.
નોંધનીય છે કે, કેરળનો સંવેદનશીલ દરિયાકાંઠો જીવંત જૈવવિવિધતાનું ઘર છે અને એક મુખ્ય પ્રવાસન સ્થળ પણ છે. આ તમામ બાબતોને ધ્યાને રાખીને સરકાર સાથે પોલ્યુશન રિસ્પોન્સની તૈયારી અને સંકલન વધારી દેવામાં આવ્યું છે. હાલમાં કોઈ તેલના ગળતરની જાણ કરવામાં આવી નથી, પરંતુ કોઈપણ પરિસ્થિતિ માટે તંત્ર તૈયાર હોવાનું સામે આવ્યું છે.