Wednesday, June 25, 2025
More

    પાકિસ્તાનમાં ફરી કામે વળગ્યા અજાણ્યા બંદૂકધારીઓ, હવે લશ્કરના આતંકી સૈફુલ્લાહ ખાલિદને ધરબી ગોળીઓ: CRPF કેમ્પથી લઈને RSS મુખ્યાલય સુધીના હુમલામાં હતો હાથ

    પાકિસ્તાનમાં લશ્કર-એ-તૈયબા (LeT)ના ટોચના આતંકવાદી સૈફુલ્લાહ ખાલિદની અજાણ્યા બંદૂકધારીઓ દ્વારા હત્યા કરવામાં આવી છે. આ ઘટના 18 મે, 2025ના રોજ પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં બની, જ્યાં ખાલિદને ગોળીઓથી ધરબી દેવાયો. ભારતમાં અનેક આતંકવાદી હુમલાઓનું આયોજન કરનાર ખાલિદ લશ્કરના સ્થાપક હાફિઝ સઈદનો નજીકનો સાથી હતો. તે 2001માં રામપુર CRPF કેમ્પ, 2005માં બેંગલુરુમાં ઇન્ડિયન સાયન્સ કોંગ્રેસ અને 2006માં નાગપુરમાં RSS મુખ્યાલય પરના હુમલાઓનો મુખ્ય સૂત્રધાર હતો.

    ખાલિદ લશ્કરના પેશાવર હેડક્વાર્ટરનો વડો હતો અને જમાત-ઉદ-દાવાના (JuD) પંજાબ સંકલન સમિતિમાં સક્રિય હતો. તાજેતરમાં પહલગામ આતંકવાદી હુમલાનું આયોજન કરવામાં તેનો હાથ હોવાની શંકા હતી. પહલગામ આતંકી હુમલાની જવાબદારી લશ્કરની પ્રોક્સી સંસ્થા ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટે (TRF) લીધી હતી. ખાલિદે આ હુમલાને નકાર્યો હતો.

    નોંધનીય છે કે, આતંકી સૈફુલ્લાહ કથિત રીતે નેપાળમાં ‘વિનોદ કુમાર’ના નામ સાથે રહેતો હતો. આ સાથે જ તેણે સ્થાનિક મહિલા નગમા બાનુ સાથે નિકાહ કરી લીધા હતા. તે નેપાળમાંથી જ લશ્કર-એ-તૈયબા માટેનું કામ કરતો હતો અને ભરતી જેવા કાર્યોને સંભાળતો હતો. હાલમાં જ તે પાકિસ્તાન આવ્યો અને સિંધના બાદિન મતલીમાં તેની હત્યા કરવામાં આવી છે.