પાડોશી દેશ પાકિસ્તાનમાં છેલ્લા ઘણા સમયથી અજાણ્યા બંદૂકધારીઓ આતંકવાદીઓને નિશાન બનાવી રહ્યા છે. હવે તાજા કિસ્સામાં લશ્કર-એ-તૈયબાના આતંકવાદી અબુ કતાલની હત્યા કરી નાખવામાં આવી છે. આ કારસ્તાન પણ અજાણ્યા બંદૂકધારીઓએ જ કર્યું છે.
અબુ કતાલ મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ આતંકી હાફિઝ સઈદનો નજીકનો માણસ હોવાનું મીડિયા અહેવાલો જણાવી રહ્યા છે. આતંકવાદી સંગઠનમાં તે મુખ્ય ભૂમિકામાં હતો અને જમ્મુ-કાશ્મીરમાં ઘણા હુમલાઓ કરાવ્યા હતા.
રિપોર્ટ્સ અનુસાર, ગત 9 જૂનના રોજ જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લામાં મંદિરેથી પરત ફરતા શ્રદ્ધાળુઓની બસ પર જે આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો, તેનું કાવતરું લશ્કર-એ-તૈયબાએ જ ઘડ્યું હતું અને તેમાં આ અબુ કતાલ સામેલ હતો. તેણે જ આ આખો પ્લાન ઘડ્યો હોવાનું કહેવાય છે. હાફિઝ સઈદે તેને લશ્કર-એ-તૈયબાનો ચીફ ઑપરેશનલ કમાન્ડર બનાવ્યો હતો.
આ સિવાય જાન્યુઆરી 2023માં રાજૌરીમાં એક આતંકવાદી હુમલો થયો હતો, તેમાં પણ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ (NIA) અબુ કતાલ સામે ચાર્જશીટ રજૂ કરી હતી.
રાજૌરીમાં 1 જાન્યુઆરી, 2023ના રોજ એક ગામમાં હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બીજા દિવસે એક IED બ્લાસ્ટ પણ થયો, જેમાં બે બાળકો સહિત 7 વ્યક્તિઓનાં મોત થયાં હતાં અને અનેકને ઈજા પહોંચી હતી. NIAએ આ કેસમાં કુલ પાંચ સામે ચાર્જશીટ રજૂ કરી, જેમાં ત્રણ પાકિસ્તાની હેન્ડલરો હતા. જેમાંથી એક અબુ કતાલ હતો.