Tuesday, July 15, 2025
More

    લાલુપુત્ર તેજ પ્રતાપ યાદવે કાશી વિશ્વનાથ મંદિરમાં પણ બનાવી લીધી રીલ, વિડીયો થયો વાયરલ: પ્રશાસને શરૂ કરી કાર્યવાહી

    બિહારના ભૂતપૂર્વ મંત્રી અને આરજેડી નેતા લાલુ પ્રસાદ યાદવના (Lalu Prasad Yadav) મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવ (Tej Pratap Yadav) ફરી એકવાર વિવાદમાં ફસાયા છે. ગુરુવાર, 12 જૂન 2025ના રોજ વારાણસી પહોંચેલા તેજ પ્રતાપે કાશી વિશ્વનાથ મંદિરના (Kashi Vishwanath Temple) દર્શન કર્યા હતા.

    શુક્રવારે, 13 જૂન, 2025 વારાણસીની મુલાકાતના બીજા દિવસે, તેમણે પોતાના એક્સ એકાઉન્ટ પર 52 સેકન્ડનો એક વિડીયો શેર કર્યો હતો, જેમાં તેઓ મંદિરના પ્રતિબંધિત વિસ્તારમાં જોવા મળ્યા હતા. આ વિસ્તારમાં મોબાઇલ ફોન અને કેમેરા લઈ જવા પર સખત પ્રતિબંધ છે.

    સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયા પછી, કાશી વિશ્વનાથ મંદિર પ્રશાસને આ બાબતને ગંભીરતાથી લીધી છે. મંદિરના મુખ્ય કાર્યકારી અધિકારી વિશ્વ ભૂષણ મિશ્રાએ તપાસના આદેશ આપ્યા હતા અને ફરજ પર તૈનાત સુરક્ષા એજન્સીઓની જવાબદારી નક્કી કરવા જણાવ્યું હતું.

    વહીવટીતંત્રે સ્પષ્ટતા કરી હતી કે ગર્ભગૃહ અને અન્ય પ્રતિબંધિત વિસ્તારોમાં વિડીયો બનાવવો એ નિયમોનું ઉલ્લંઘન છે, અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. વારાણસી પોલીસ પણ આ મામલાની તપાસ કરી રહી છે. આવી સ્થિતિમાં, પાર્ટી અને ઘરમાંથી હાંકી કાઢવામાં આવેલા તેજ પ્રતાપની મુશ્કેલીઓ વધવાની શક્યતા છે.