Wednesday, June 25, 2025
More

    ‘ચૂંટણી જોઈને નાટક કરી રહ્યો છે લાલુ યાદવનો પરિવાર’: તેજ પ્રતાપના વિવાદ પર પત્ની એશ્વર્યા, કહ્યું- મને માર માર્યો ત્યારે ક્યાં હતો સામાજિક ન્યાય?

    તેજ પ્રતાપ યાદવની પત્ની ઐશ્વર્યા રાયે અનુષ્કા યાદવ સાથેના કથિત અફેર પર પોતાનું મૌન તોડ્યું છે. તેમણે કહ્યું છે કે, તેમને તેજ પ્રતાપના આ અફેર વિશે પહેલાં ખબર નહોતી. તેમણે આરોપ લગાવ્યો કે, ચૂંટણી નજીક આવતાની સાથે લાલુ પ્રસાદ યાદવનો પરિવાર સાથે મળીને નાટક કરી રહ્યો છે.

    તેમણે કહ્યું કે, મામલો પ્રકાશમાં આવ્યા પછી રાબડી દેવી તેજ પ્રતાપના ઘરે ગયા હશે અને કહ્યું હશે કે, તે બધું બરાબર કરી દેશે. ઐશ્વર્યા રાયે કહ્યું કે, તેજ પ્રતાપને ખરેખર પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા નથી અને ફક્ત સોશિયલ મીડિયા પર જાહેરાત કરવાથી કંઈ થતું નથી.

    ઐશ્વર્યા રાયે 2018માં તેજ પ્રતાપ સાથે લગ્ન કર્યા હતા. આ પછી તેમનામાં અણબનાવ થયો હતો અને હવે તેમની વચ્ચે છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો છે. ઐશ્વર્યા રાયે એમ પણ કહ્યું છે કે, લાલુ યાદવના પરિવારે તેમની સાથે જે કંઈ થયું તેનો જવાબ આપવો જોઈએ. તેમણે અનુષ્કા યાદવ અને અન્ય યુવતીઓ વિશે કોઈ જાણકારી હોવાનો ઇનકાર કર્યો છે.

    ઐશ્વર્યા રાયે પૂછ્યું કે, તેમને જ્યારે માર મારવામાં આવી રહ્યો હતો, ત્યારે તેજસ્વી યાદવનો સામાજિક ન્યાય ક્યાં હતો? વધુમાં તેમણે લાલુ યાદવ અને રાબડી દેવીને લઈને પણ અનેક આરોપ લગાવ્યા હતા.