Saturday, June 21, 2025
More

    ‘તેજ પ્રતાપ યાદવને 6 વર્ષ માટે પાર્ટીમાંથી નિષ્કાસિત કરું છું, પાર્ટી અને પરિવારમાં તેની કોઈ ભૂમિકા નહીં હોય’: લાલુ યાદવ 

    રાષ્ટ્રીય જનતા દળ સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવને (Tej Pratap Yadav) 6 વર્ષ માટે પાર્ટીમાંથી નિષ્કાસિત કરવાની ઘોષણા કરી છે. 

    એક્સ પર પોસ્ટ કરીને લાલુ યાદવે લખ્યું કે, “અંગત જીવનમાં નૈતિક મૂલ્યોની અવગણના કરવી અમારા સામાજિક ન્યાય માટેના સામૂહિક સંઘર્ષને નબળો પાડે છે. જયેષ્ઠ પુત્રની ગતિવિધિ અને બિનજવાબદારીપૂર્ણ વ્યવહાર અમારાં પારિવારિક મૂલ્યો અને સંસ્કારોને અનુરૂપ નથી. જેથી ઉપરોક્ત પરિસ્થિતિઓના કારણે તેમને પાર્ટી અને પરિવારથી દૂર કરું છું. હવે પાર્ટી અને પરિવારમાં તેની કોઈ પણ પ્રકારની ભૂમિકા નહીં હોય. તેને પાર્ટીમાંથી છ વર્ષ માટે નિષ્કાસિત કરવામાં આવે છે.”

    આગળ કહ્યું કે, “પોતાના અંગત જીવનમાં સારું-નરસું અને ગુણ-દોષ જોવામાં તે સ્વયં સક્ષમ છે. તેની સાથે સંબંધ રાખનારા સ્વવિવેકથી નિર્ણય લે. લોકજીવનમાં હું હંમેશા લોકલાજનો હિમાયતી રહ્યો છું. પરિવારના આજ્ઞાકારી સભ્યોએ સાર્વજનિક જીવનમાં આ જ વિચારને અંગીકાર કરીને અનુસરણ કર્યું છે.”

    ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ તેજ પ્રતાપ યાદવ ચર્ચામાં આવ્યા હતા જ્યારે તેમના ફેસબુક અકાઉન્ટ પરથી એક મહિલા સાથેની તસવીરો પોસ્ટ કરીને તેઓ 12 વર્ષથી તેની સાથે પ્રેમસંબંધમાં હોવાની જાણ કરવામાં આવી હતી. 

    પોસ્ટ ઝડપથી વાયરલ થઈ જતાં પ્રશ્નો ઉઠવા માંડ્યા કારણ કે તેજ પ્રતાપનાં 2018માં અન્ય એક યુવતી સાથે લગ્ન થયાં હતાં, જેની સાથે છૂટાછેડાનો કેસ હાલ કોર્ટમાં ચાલી રહ્યો છે. પછીથી તેજ પ્રતાપે એમ કહી દીધું કે તેમનું ફેસબુક અકાઉન્ટ હૅક થયું હતું અને પોતાને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પરંતુ પછીથી તેમના જે-તે મહિલા સાથે અન્ય ફોટા અને વિડીયો પણ વાયરલ થવા માંડ્યા અને લોકો પૂછવા માંડ્યા કે આ પણ એડિટેડ છે કે કેમ. 

    આ બધાની વચ્ચે લાલુ યાદવે તેજ પ્રતાપને નિષ્કાસિત કરવાની ઘોષણા કરી દીધી.