Monday, March 17, 2025
More

    લંડનમાં તુર્કી દૂતાવાસની બહાર કુર્દિશ વ્યક્તિએ સળગાવી કુરાન, કટ્ટરપંથીએ છરા વડે કરી દીધો હુમલો

    ગુરુવારે (13 ફેબ્રુઆરી) હામિત કોસ્કુન નામના એક કુર્દિશ વ્યક્તિએ લંડનમાં તુર્કી દૂતાવાસની સામે કુરાન સળગાવી હતી. આ ઘટનાને લઈને લોકો પણ એકઠા થઈ ગયા હતા. દરમિયાન જ એક કટ્ટરપંથીએ તેના પર છરાથી હુમલો કરી દીધો હતો. હામિત કોસ્કુન કુરાનની એક પ્રત સળગાવીને તુર્કી દૂતાવાસ સામે હાથ ઊંચા કરી રહ્યો હતો, તે દરમિયાન જ આ ઘટના બની હતી.

    આ ઘટનાનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. હુમલા દરમિયાન હામિત ઘાયલ પણ થઈ ગયો હતો. સાથે એ પણ નોંધવું જોઈએ કે, કુરાન સળગાવવાની આ ઘટનાની જાણ લોકોને અગાઉથી જ કરી દેવામાં આવી હતી. ઘટના બાદ કુર્દિશ એક્ટિવિસ્ટે કહ્યું હતું કે, “હું કુરાન સળગાવી રહ્યો હતો, તે દરમિયાન મારા પર છરાથી હુમલો કરવામાં આવ્યો હતો. તાત્કાલિક એમ્બ્યુલન્સ અને પોલીસ પણ આવી ગઈ હતી.”

    ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પીડિતને બચાવી લીધો હતો. ત્યારબાદ હામિતને તાત્કાલિક એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પોલીસે હુમલાખોરની ગંભીર શારીરિક હાનિ પહોંચાડવા અને આક્રમક હથિયાર રાખવાના આરોપમાં ધરપકડ કરી છે. આ પહેલાં હામિતે X પર પોસ્ટ કરીને ઇસ્લામને ‘આતંકવાદ’નો મઝહબ ગણાવ્યો હતો.