મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે વિશે અપમાનજનક ટિપ્પણી કર્યા બાદ કોમેડિયન કુણાલ કામરા વિરુદ્ધ MIDC પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે. આ જ ઘટનાક્રમ અંગે મુંબઈ પોલીસે સોમવારે (24 માર્ચ) કામરાનો ટેલિફોનિક સંપર્ક કર્યો હતો. અહેવાલો અનુસાર, તેણે અપમાનજનક નિવેદન મામલે માફી માંગવાનો ઇનકાર કરી દીધો છે.
માહિતી અનુસાર, કોમેડિયન કુણાલ કામરાએ કહ્યું છે કે, તે કાયદાનું પાલન બધી રીતે કરશે, પરંતુ માફી નહીં માંગે. આ સાથે જ તેણે પોતે મુંબઈની બહાર હોવાનું પણ કહ્યું હતું. પોલીસ અધિકારીઓએ હજુ સુધી તેને રજૂ થવા માટે કોઈ તારીખ આપી ન હોવાનું સામે આવ્યું છે.
નોંધનીય છે કે, સ્ટેન્ટ-અપ કોમેડિયન કુણાલ કામરાએ પોતાના એક વિડીયોમાં પરોડી ગીત રજૂ કરીને એકનાથ શિંદેનું અપમાન કર્યું હોવાનો આરોપ છે. તેણે શિંદેણે ‘ગદ્દાર’ પણ ગણાવ્યા હતા. આ મામલે શિવસેનાએ ભારે વિરોધ કર્યો છે અને કુણાલ કામરાને ધમકીઓ પણ આપી છે. આ સાથે જ કામરાએ જે હોટેલમાં વિડીયો શૂટ કર્યો હતો, તે હોટેલમાં પણ શિવસૈનિકોએ તોડફોડ કરી છે. આ કેસમાં 40 શિવસૈનિકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.