Friday, March 28, 2025
More

    કુણાલ કામરા મદ્રાસ હાઇકોર્ટ પહોંચ્યો અને મળી ગઈ રાહત: 7 એપ્રિલ સુધી નહીં થઈ શકે ધરપકડ

    મદ્રાસ હાઇકોર્ટે (Madras High Court) શુક્રવારે કોમેડિયન કુણાલ કામરાના (Kunal Kamra) વચગાળાના આગોતરા જામીન મંજૂર કર્યા છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર કરેલી મજાકને કારણે કામરા વિવાદનો સામનો કરી રહ્યો છે. મુંબઈ પોલીસે 31 માર્ચે તેને હાજર થવા કહ્યું છે.

    FIR નોંધાયા બાદ કુણાલ કામરાએ મદ્રાસ હાઇકોર્ટમાં ટ્રાન્ઝિટ આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. અરજીમાં જણાવ્યું હતું કે તે 2021થી તમિલનાડુમાં રહે છે અને મુંબઈ પોલીસ દ્વારા ધરપકડના ભયના કારણે આગોતરા જામીન માંગી રહ્યો છે.

    કોર્ટે કામરાને એ શરતે રાહત આપી કે તેમણે તમિલનાડુના વિલ્લુપુરમ જિલ્લાના વાનુર ખાતેના ન્યાયિક મેજિસ્ટ્રેટના સંતોષ માટે બોન્ડ રજૂ કરવો પડશે. ન્યાયાધીશ સુંદર મોહને ખાર પોલીસને પણ નોટિસ જારી કરી અને કેસની આગામી સુનાવણી 7 એપ્રિલના રોજ નક્કી કરી છે.

    મુંબઈમાં તાજેતરમાં એક શો દરમિયાન કુણાલ કામરાએ નામ લીધા વિના મહારાષ્ટ્રના ડેપ્યુટી CM એકનાથ શિંદેને ‘ગદ્દાર’ કહ્યા હતા. જેના કારણે વિવાદ સર્જાયો હતો. આ મામલે તેના પર ખાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. ખાર પોલીસે કામરાને 2 વાર સમન્સ પાઠવી ચૂકી છે. ત્યારે હવે ધરપકડના ડરે તેણે આગોતરા જામીન મેળવી લીધા છે.