Friday, July 11, 2025
More

    હવે કુણાલ કામરા પહોંચ્યો મદ્રાસ હાઇકોર્ટ, વચગાળાના ટ્રાન્ઝિટ જામીનની કરી માંગ: મુંબઈ પોલીસે તેડવા છતાં નથી હાજર થઈ રહ્યો ‘કૉમેડિયન’

    મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદે પર ટિપ્પણી કરીને વિવાદમાં સપડાયેલો ‘કૉમેડિયન’ કુણાલ કામરા હવે મદ્રાસ હાઇકોર્ટ પહોંચ્યો છે. તેણે એક અરજી કરીને મુંબઈ પોલીસે તેની વિરુદ્ધ દાખલ કરેલા કેસમાં વચગાળાના ટ્રાન્ઝિટ જામીનની માંગ કરી છે. 

    કામરા તમિલનાડુના વિલુપુરમનો વતની છે, જેના આધારે તેણે દાવો કર્યો છે કે મદ્રાસ હાઇકોર્ટ તેની અરજી સાંભળી શકે છે. કેસ પર જસ્ટિસ સુંદર મોહનની બેન્ચ આજે જ સુનાવણી હાથ ધરશે તેમ જાણવા મળ્યું છે. 

    ઉલ્લેખનીય છે કે કામરા સામે શિવસેના ધારાસભ્ય મુરજી પટેલે ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે BNSની કલમ 353(1), 353(2) અને 356(2) હેઠળ ઝીરો FIR દાખલ કરીને ખાર પોલીસ મથકને ટ્રાન્સફર કરી હતી. પોલીસ કુણાલ કામરાને પૂછપરછ માટે બોલાવી ચૂકી છે, પરંતુ તે હાજર થયો નથી. 

    ઝીરો FIR એટલે પોલીસ મથકનું કાર્યક્ષેત્ર લાગુ પડતું હોય કે ન પડતું હોય પણ FIR દાખલ કરવામાં આવે છે. જ્યારે કોઈ બીજા રાજ્યમાં FIR થઈ હોય તો તેમાં ધરપકડથી રક્ષણ માંગવા માટે વ્યક્તિ જ્યાં રહેતી હોય તે રાજ્યની કોર્ટમાં વચગાળાના જામીન માંગતી અપીલ કરે તેને ટ્રાન્ઝિટ એન્ટીસિપેટરી બેલ કહેવાય છે.

    મદ્રાસ હાઇકોર્ટ સમક્ષ અરજીમાં કામરાએ દલીલ કરી છે કે તેને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. તેને ધરપકડનો પણ ડર સતાવી રહ્યો છે, જેથી કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. કોર્ટ શું નિર્ણય આપે એ જોવું રહ્યું.