Monday, April 14, 2025
More

    કુણાલ કામરાએ કરી બૉમ્બે હાઇકોર્ટમાં FIR રદ્દ કરવાની માંગ કરતી અરજી: આપ્યો અભિવ્યક્તિની સ્વતંત્રતાનો હવાલો  

    સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરાએ (Kunal Kamra) હવે બૉમ્બે હાઇકોર્ટના (Bombay High Court) દરવાજા ખખડાવ્યા છે. આ મામલો એક શો દરમિયાન મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે (Eknath Shinde) પર કરેલ ટિપ્પણી સાથે જોડાયેલ છે. જેમાં શિંદેના અપમાન બદલ કામરા પર FIR નોંધાઈ હતી. જેને રદ્દ કરવાની માંગ કરતી અરજી તેણે બૉમ્બે હાઇકોર્ટમાં કરી હતી.

    અહેવાલ અનુસાર આ અરજી 5 એપ્રિલે કરવામાં આવી છે. મુંબઈના ખાર પોલીસ સ્ટેશનમાં કામરા વિરુદ્ધ FIR નોંધાયેલી છે. ત્યારે કામરાએ ભારતીય બંધારણના અનુચ્છેદ 19 અને 21 હેઠળ અભિવ્યક્તિની સ્વતંત્રતા અને જીવન જીવવાના મૂળભૂત અધિકારનો હવાલો આપીને તેની સામેની FIR રદ્દ કરવાની માંગ કરી છે.

    આ મામલો બૉમ્બે હાઇકોર્ટના જસ્ટિસ એસ.વી. કોટવાલ અને જસ્ટિસ એસ.એમ. મોડકની બેન્ચ સમક્ષ 21 એપ્રિલના રોજ સુનાવણી માટે સૂચિબદ્ધ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, કુણાલ કામરા વિરુદ્ધ નોંધાયેલી FIRને કારણે મુંબઈ પોલીસે તેને પૂછપરછ માટે ત્રણ વખત નોટિસ મોકલી હતી. પરંતુ કામરા ત્રણેય વખત પૂછપરછ માટે હાજર રહ્યો નહોતો.

    ઉલ્લેખનીય છે કે, આ પહેલાં તેણે મદ્રાસ હાઇકોર્ટમાંથી આગોતરા જામીન મેળવ્યા હતા, જે 7 એપ્રિલ સુધી મંજૂર થયા હતા.