Monday, March 17, 2025
More

    ‘નિર્લજ્જ, નીચ, આત્મમુગ્ધ, ચરિત્રહીન….’: આ વિશેષણો સાથે કવિ કુમાર વિશ્વાસે દિલ્હી ચૂંટણી પર આપી પ્રતિક્રિયા, કહ્યું- આજે ન્યાય થયો

    દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો (Delhi Assembly Elections Result) આવી ચૂક્યાં છે. દિલ્હીની જનતાએ આ વખતે ભાજપને જનાદેશ આપીને સત્તા પર વાપસી કરાવી છે. આ મામલે વિવિધ નેતાઓ તથા પ્રતિષ્ઠિત વ્યક્તિઓના પ્રતિભાવો સામે આવી રહ્યા છે.

    આ જ ક્રમમાં AAPના પૂર્વ નેતા અને કવિ કુમાર વિશ્વાસની (Kumar Vishwas) પ્રતિક્રિયા પણ સામે આવી છે. તેમણે ન્યૂઝ એજન્સી ANI સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, “હું ભાજપને જીત માટે અભિનંદન આપું છું અને આશા રાખું છું કે તેઓ દિલ્હીના લોકો માટે કામ કરશે.”

    આગળ તેમણે કહ્યું, “આમ આદમી પાર્ટીના લાખો-કરોડો કાર્યકર્તાઓ જેઓ અન્ના આંદોલનમાંથી આવ્યા હતા, તેમના ભારતના રાજકારણને બદલવાનાં સ્વપ્નની હત્યા એક નિર્લજ્જ, નીચ, મિત્રહીનતા, આત્મમુગ્ધ અને ચરિત્રહીન વ્યક્તિએ કરી તેના પ્રત્યે તો શું સંવેદના હોય! દિલ્હીને તેનાથી મુક્તિ મળી.” તેમણે ભવિષ્ય ભાખતાં કહ્યું કે, જેઓ આમ આદમી પાર્ટીમાં અત્યાર સુધી સત્તાના લોભમાં કે પદ કે પૈસા માટે ટકી રહ્યા હતા તેઓ પણ પરત ફરી જશે.

    કવિ કુમાર વિશ્વાસે કહ્યું કે, હું પ્રસન્નતા કે દુઃખની વાત નથી કરી રહ્યો પણ અહીંથી પતનનો આરંભ થઈ ગયો છે. પ્રસન્નતા એ વાતની છે કે કરોડો લોકોએ આશા લગાવી હતી. લોકો નોકરીઓ અને વ્યવસાય છોડીને આવ્યા હતા, એ તમામ સાથે એક ચરિત્રહીન અને આત્મમુગ્ધ વ્યક્તિએ પોતાની વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષા પૂર્ણ કરવા માટે અન્યાય કર્યો, તેને દંડ મળ્યો. પ્રસન્નતા એ વાતની છે કે ન્યાય થયો.” અંતે તેમણે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓને સંબોધિત કરીને કહ્યું કે તેમણે પણ હવે આ વર્તુળ છોડીને આગળ ચાલ્યા જવું જોઈએ.